તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે 25,000થી વધુ લોકોના મૃત્યુ
Live TV
-
તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપના કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધવા માટે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. ભૂકંપ પીડિતોની મદદ માટે ભારતનું ઓપરેશન દોસ્ત પણ ચાલી રહ્યું છે. ઓપરેશન દોસ્તના ભાગ રૂપે, ભારતીય વાયુસેનાએ શનિવારે C70 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ દ્વારા રાહત સામગ્રીનો બીજો જથ્થો સીરિયા મોકલ્યો હતો. જેમાં ટેન્ટ, વેન્ટિલેટર, એક્સ-રે મશીન અને રાહત સામગ્રી જેવા તબીબી સાધનોનો સમાવેશ થાય છે. તાજેતરના આંકડાઓ અનુસાર, બંને દેશોમાં મૃતકોની સંખ્યા 25 હજારને પાર પહોંચી છે. તો બીજી તરફ તુર્કીમાં પણ આ ભયાનક ભૂકંપના કારણે ભારતીય નાગરિકના મોતની પુષ્ટિ થઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, અમારી ટીમ ઓપરેશન દોસ્તના ભાગરૂપે દિવસ-રાત કાર્ય કરી રહી છે. તેઓ લોકોના જીવન અને સંપત્તિ બચાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાનું ચાલુ રાખશે. સંકટની આ ઘડીમાં ભારત તુર્કીના લોકોની સાથે મજબૂત રીતે ઊભું છે.
સીરિયા કેબિનેટે વિદ્રોહી નિયંત્રિત ક્ષેત્ર સહિત દેશના તમામ ભાગોમાં માનવીય સહાયતા પહોંચાડવાની મંજૂરી આપી છે. સહાયતા એજન્સીઓએ વિદ્રોહીઓના કબ્જાવાળા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની મંજૂરી માંગી હતી. સંયુક્ત રાષ્ટ્રની માનવીય બાબતોના મહાસચિવ માર્ટિન ગ્રિફિથ્સે સીરિયા સરકારના આ નિર્ણયની સરાહના કરી છે.
