તેહરાન વાટાઘાટો માટે તૈયાર નહીં થાય તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને નિશાન બનાવશે: ટ્રમ્પની ચેતવણી
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો તેહરાન ફરીથી વાટાઘાટો માટે તૈયાર નહીં થાય તો આવતા અઠવાડિયે અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને નિશાન બનાવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અમેરિકી હુમલાઓ વધુ તીવ્ર બનશે.
ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું, "અમે આજે રાત્રે તેમના પર જોરદાર હુમલો કરવાના છીએ. અમે આવતીકાલે રાત્રે પણ જોરદાર હુમલો કરીશું. અમે તેના પછીની રાત્રે પણ હુમલો કરીશું અને પછી આવતા અઠવાડિયે સ્થિતિ તેમના માટે ખરેખર ખૂબ જ ગંભીર બની જશે."
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, અમેરિકાના આ વિસ્તરતા અભિયાનમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમના છેલ્લા નિશાનો હશે. તેમણે કહ્યું, "હું ઊર્જાને લગતા લક્ષ્યોને છેલ્લે માટે બચાવી રાખીશ, પરંતુ અંતે અમે ચોક્કસપણે તેને પણ નિશાન બનાવીશું. આવતા અઠવાડિયે પાવર પ્લાન્ટ્સ અને પુલોનો વારો આવશે."
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, "અમે તેમના તમામ પાવર પ્લાન્ટ્સ અને પુલોને તોડી પાડીશું, સિવાય કે તેઓ વાટાઘાટો કરવા માટે ટેબલ પર આવે." ઈરાન વાટાઘાટો માટે ગંભીર છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી."
ટ્રમ્પે જણાવ્યું કે, જ્યાં સુધી તેમનો હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધી આ હુમલા ચાલુ રહેશે. તેમણે કહ્યું, "તેઓ જ્યાં સુધી લડવા માંગે ત્યાં સુધી લડી શકે છે, પરંતુ તેમની પાસે હવે બહુ શક્તિ બાકી નથી."
ટ્રમ્પે ઈરાની તેલ નિકાસના મુખ્ય કેન્દ્ર ગણાતા 'ખાર્ગ ટાપુ' પર કબજો મેળવવાની વાત પર કંઈ કહેવાનો ઈનકાર કર્યો હતો. જોકે, તેમણે મર્યાદિત ગ્રાઉન્ડ કેમ્પેઈનની શક્યતાને પણ નકારી ન હતી. તેમણે કહ્યું કે ક્યારેક ગ્રાઉન્ડ કેમ્પેઈનની જરૂર પડે છે, પરંતુ અમારી પાસે અન્ય લોકો છે જે આપણા માટે આ કામ કરી શકે છે.
ટ્રમ્પે દાવો કર્યો કે, અમેરિકાએ ખાર્ગ ટાપુ પર હુમલો કર્યો છે પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરને ધ્યાનમાં રાખીને ત્યાંની તેલ સુવિધાઓને સુરક્ષિત રાખી છે. તેમણે હોરમૂઝની સામુદ્રધુની અંગે કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય જહાજો માટે ખુલ્લી છે, પરંતુ ઈરાન માટે બંધ કરી દેવામાં આવી છે. ઈરાની અધિકારીઓ સાથે સંપર્ક વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે, તેમણે સંદેશ આપ્યો છે કે, "તમે એક સમજૂતી કરી લો, નહીં તો તમારી પાસે કંઈ જ બાકી નહીં રહે."
