પશ્ચિમ ઇરાનમાં ટેન્કરમાં ભીષણ વિસ્ફોટથી 11નાં મોત, અનેક વાહનો બળીને ખાખ
Live TV
-
પશ્ચિમ ઇરાનમાં શનિવારે એક માર્ગ અકસ્માત બાદ ફ્યુઅલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ થતાં 11 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘવાયાસ છે. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આસપાસથી પસાર થઈ રહેલાં અનેક વાહનો પણ તેની લપેટમાં આવી જતાં આગ પકડી લીધી હતી.
ઈરાનની સરકારી સમાચાર સંસ્થા IRIBના જણાવ્યા અનુસાર, આ અકસ્માત કુર્દિસ્તાન પ્રાંતના સનંદજ કાઉન્ટી અને હમદાન પ્રાંતના હમદાન કાઉન્ટી વચ્ચેના ઇન્ટરસિટી રોડ પર સર્જાયો હતો. કુર્દિસ્તાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના ઇમરજન્સી મેડિકલ સર્વિસિસના વડા બાબક હોદાઈએ જણાવ્યું કે, રાહત અને બચાવ ટુકડીઓએ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સનંદજની હોસ્પિટલમાં ખસેડ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ અને વધતો સૈન્ય તણાવ
બીજી તરફ, પર્શિયન ખાડીને ઓમાનની ખાડી સાથે જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં પણ સૈન્ય ઉત્તેજના વધી છે. જુલાઈ મહિનામાં ઇરાન દ્વારા નક્કી કરાયેલા સુરક્ષિત દરિયાઈ માર્ગ પરથી ભટકી ગયેલું એક ઓઇલ ટેન્કર નેવલ માઇન (દરિયાઈ બારૂદી સુરંગ) સાથે અથડાતાં તેમાં મોટો વિસ્ફોટ થયો હતો.દરમિયાન, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંબંધો વધુ વણસ્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, 5 સપ્ટેમ્બરે ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા પ્રાદેશિક જળસીમામાં ગસ્ત લગાવી રહેલા બે યુએસ યુદ્ધ જહાજો પર બેલેસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલાના જવાબમાં અમેરિકી દળોએ કાર્યવાહી કરતા ઇરાનના કૂડ ઓઇલ લઈ જઈ રહેલા ત્રણ ટેન્કરો પર હુમલો કર્યો હતો. જોકે, અમેરિકી એરક્રાફ્ટ કેરિયર અને ગાઇડેડ-મિસાઇલ ડેસ્ટ્રોયરે ઇરાનના મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને આ ઘટનામાં કોઈ અમેરિકી સૈનિકને ઈજા પહોંચી નથી.
