પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી થઈ ધરપકડ
Live TV
-
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાન રેન્જર્સે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ-પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનને કોર્ટરૂમની બહારથી જ કસ્ટડીમાં લીધા હતા. ઈમરાન ખાન અલકાદિર ટ્રસ્ટ કેસમાં હાજર થવા માટે કોર્ટમાં ગયા હતા.
ઈસ્લામાબાદ પોલીસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ઈમરાન ખાન અને તેની પત્નીએ એક રિયલ એસ્ટેટ કંપની પાસેથી 50 અબજ રૂપિયાની લોન્ડરિંગ કરવા માટે અબજો રૂપિયા મેળવ્યા હોવાના આરોપમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી હતી. ઈસ્લામાબાદમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ કલમ 144 લાગુ કરવામાં આવી છે, ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું કે, ઈમરાન અનેક નોટિસ જારી કરવા છતાં કોર્ટમાં હાજર થયો ન હતો. જ્યારે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા મુસરત ચીમાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, પાકિસ્તાની રેન્જર્સ ઈમરાન ખાનને ટોર્ચર કરી રહ્યા છે. પીટીઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં ઈમરાન ખાનના વકીલ ઘાયલ પણ જોવા મળે છે.
ગયા વર્ષે એપ્રિલમાં અવિશ્વાસ મત દ્વારા તેમની હકાલપટ્ટી બાદથી ખાન સામે કેસોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં તેના પર આતંકવાદ, નિંદા, હત્યા, હિંસા, હિંસા ભડકાવવાના 140 થી વધુ કેસ ચાલી રહ્યા છે. જો કે, તેમણે આ તમામ કેસોને શાસક ગઠબંધન દ્વારા રાજકીય શિકાર તરીકે ફગાવી દીધા છે.
