Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટો સાથે મુલાકાત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટ દરમિયાન ઈન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટો સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત હતી.

    પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સુબિયાંટોને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના માળખામાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. તેઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, કનેક્ટિવિટી, પર્યટન, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને આ પ્રસંગને યોગ્ય રીતે ઉજવવાનું આહ્વાન કર્યું છે.

    નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોની આપ-લે કરી હતી. G 20 અંતર્ગત તેમના નજીકના સહયોગની ચર્ચા કરીને, તેઓએ વૈશ્વિક દક્ષિણની ચિંતાઓને પ્રાધાન્ય આપવાનું આહ્વાન કર્યું હતું. તેઓએ આસિયાન સહિત બહુપક્ષીય અને વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા સહકારની પણ સમીક્ષા કરી હતી.

    પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટ અંતર્ગત ફ્રાંસ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ એમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત પ્રમુખ મેક્રોનની ભારતની મુલાકાત અને જૂનમાં ઇટાલીમાં G7 શિખર સંમેલન અંતર્ગત તેમની બેઠક બાદ આ વર્ષે બંને નેતાઓ વચ્ચેની આ ત્રીજી બેઠક હતી.

    મીટિંગ દરમિયાન બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટેના તેમના સહિયારા વિઝનની પુનઃ પુષ્ટિ કરી તેમજ ક્ષિતિજ 2047 રોડમેપ અને અન્ય દ્વિપક્ષીય ઘોષણાઓમાં દર્શાવેલ દ્વિપક્ષીય સહયોગ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી માટે પોતાના દ્રષ્ટિકોણની પુષ્ટી કરી હતી. તેઓએ સંરક્ષણ, અંતરિક્ષ અને નાગરિક પરમાણુ ઉર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રાપ્ત કરેલી પ્રગતિની પ્રશંસા કરી અને વ્યૂહાત્મક સ્વાયત્તતા પ્રત્યે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી તેને વધુ વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેઓએ ભારતના રાષ્ટ્રીય સંગ્રહાલય પ્રોજેક્ટ પર સહકારની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.  

    બંને નેતાઓએ ડિજિટલ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રો સહિત વેપાર, રોકાણ અને તકનીકી સંબંધોને મજબૂત બનાવવાની સાથે-સાથે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારત ફ્રાન્સ ભાગીદારી પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ ફ્રાન્સમાં આગામી AI એક્શન સમિટનું આયોજન કરવા માટે રાષ્ટ્રપતિ મેક્રોનની પહેલને આવકારી હતી.

    બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક સહિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓએ બહુપક્ષીયવાદને પુનર્જીવિત કરવા અને સુધારણા કરવા તેમજ સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના નિર્માણમાં મદદ કરવા સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.

    પ્રધાનમંત્રીએ બ્રિટનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટ દરમિયાન યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ સર કીર સ્ટારમર સાથે મુલાકાત કરી હતી. બંને પ્રધાનમંત્રી વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સ્ટારમરને તેમના પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી સ્ટારમરે પણ પ્રધાનમંત્રીને તેમના ઐતિહાસિક ત્રીજી કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ આપી હતી.

    દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં, બંને પ્રધાનમંત્રીઓએ અર્થવ્યવસ્થા, વેપાર, નવી અને ઉભરતી તકનીકો, સંશોધન અને નવીનતા, ગ્રીન ફાઇનાન્સ અને લોકો વચ્ચેના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. તેઓએ મહત્વના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

    બંને નેતાઓએ વ્હેલી તકે મુક્ત વ્યાપાર કરારની વાટાઘાટો ફરી શરૂ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વાટાઘાટ કરતી ટીમોની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, કે જેથી બાકીના મુદ્દાઓને પરસ્પર સંતુષ્ટિ સાથે ઉકેલી શકાય, જેનાથી એક સંતુલિત, પરસ્પર લાભદાયી અને પ્રગતિશીલ મુક્ત વેપાર કરાર થઈ શકે.

    વધતા દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી સંબંધોના પ્રકાશમાં બંને પક્ષો વચ્ચે વધુ જોડાણ માટેની પૂરતી તકોને ઓળખીને અને યુનાઇટેડ કિંગડમમાં ભારતીય સમુદાયની કોન્સ્યુલર જરૂરિયાતોને વધુ સારી રીતે સેવા આપવાના દૃષ્ટિકોણથી, પ્રધાનમંત્રી મોદીએ યુનાઇટેડ કિંગડમમાં બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં ભારતના બે નવા કોન્સ્યુલેટની સ્થાપનાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી સ્ટારમરેએ આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું.

    પ્રધાનમંત્રીએ બ્રિટનમાં ભારતના આર્થિક અપરાધીઓના મુદ્દાને સંબોધવાના મહત્વની નોંધ લીધી હતી. બંને નેતાઓ પ્રવાસન અને ગતિશીલતા સંબંધિત મુદ્દાઓ પર પ્રગતિ કરવાની જરૂરિયાત પર પણ સહમત થયા હતા.

    બંને નેતાઓએ પોતાના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને ભારત-બ્રિટન કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો ભાગ બનેલી વિવિધ સમજૂતીઓના ઝડપી અમલીકરણ તરફ કામ કરવા નિર્દેશ આપ્યો હતો. તેઓએ વારંવાર વધુને વધુ સંવાદ અને ચર્ચાઓ માટેની પણ આશા વ્યક્ત કરી હતી.

    પ્રધાનમંત્રીએ નોર્વેના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિયો ડી જાનેરોમાં G20 સમિટ અંતર્ગત ​​નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગહર સ્ટોરે સાથે મુલાકાત કરી હતી.

    બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ભારત - યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન અને ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (ભારત-ઇએફટીએ-ટીઇપીએ) પર હસ્તાક્ષરને દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ જણાવતા બંને નેતાઓએ નોર્વે સહિત ઇએફટીએ દેશો સાથે ભારતમાં વધુમાં વધુ રોકાણ આકર્ષિત કરવા માટે તેના મહત્વની પુનઃ પુષ્ટિ કરી હતી.

    દ્વિપક્ષીય ચર્ચાઓએ બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ્સ, જીઓ-થર્મલ એનર્જી, ગ્રીન શિપિંગ, કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ (CCUS), ફિશરીઝ, સ્પેસ અને આર્ક્ટિક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

    નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

    પ્રધાનમંત્રીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 સમિટ અંતર્ગત ​​પોર્ટુગીઝ રિપબ્લિકના પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી મોદીએ એપ્રિલ 2024માં પ્રધાનમંત્રી મોન્ટેનેગ્રોને તેમના પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભારત અને પોર્ટુગલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને મજબૂત કરવા સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોન્ટેનેગ્રોએ પ્રધાનમંત્રી મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા.

    નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યટન, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. તેઓએ આઇટી અને ડિજિટલ ટેક્નોલોજી, રિન્યુએબલ એનર્જી, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન અને પ્રોફેશનલ્સ તેમજ કુશળ કામદારોની ગતિશીલતા જેવા નવા અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગની વધતી સંભાવનાને રેખાંકિત કરી હતી. બંને નેતાઓએ પ્રાદેશિક વિકાસ અને ભારત-EU સંબંધો સહિત પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓ પ્રાદેશિક અને બહુપક્ષીય મંચો પર વર્તમાન ગાઢ સહકાર ચાલુ રાખવા સંમત થયા હતા.

    નેતાઓએ કહ્યું કે વર્ષ 2025માં ભારત અને પોર્ટુગલ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠ છે. તેઓએ આ પ્રસંગે સંયુક્ત રીતે શાનદાર રીતે ઉજવવા સંમત થયા હતા. બંને નેતાઓ એકબીજાના સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

    પ્રધાનમંત્રીએ ઇટાલીના મંત્રી પરિષદના અધ્યક્ષ સાથે મુલાકાત કરી

    ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિયો ડી જાનેરોમાં G20 સમિટ દરમિયાન ​​ઇટાલિયન રિપબ્લિકના મંત્રી પરિષદના પ્રમુખ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. છેલ્લા બે વર્ષમાં બંને પ્રધાનમંત્રી વચ્ચે આ પાંચમી મુલાકાત હતી. બંને નેતાઓ છેલ્લે જૂન 2024માં ઇટાલીના પુગલિયામાં પ્રધાનમંત્રી મેલોનીની અધ્યક્ષતામાં યોજાયેલી G7 સમિટના પ્રસંગે મળ્યા હતા. પ્રધાનમંત્રીએ આ પડકારજનક સમયમાં G7નું નેતૃત્વ કરવા બદલ પ્રધાનમંત્રી મેલોનીને અભિનંદન પાઠવ્યા હતા.

    પુગલિયામાં તેમની ચર્ચાઓને અનુસરીને, બંને નેતાઓએ ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-29ની જાહેરાત કરી જે આગામી પાંચ વર્ષ માટે તેમના વિઝનની રૂપરેખા આપે છે. કાર્ય યોજના વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, નવી અને ઉભરતી તકનીકો, સ્વચ્છ ઉર્જા, અંતરિક્ષ, સંરક્ષણ, કનેક્ટિવિટી અને લોકોથી લોકોના જોડાણના મુખ્ય ક્ષેત્રોમાં સંયુક્ત સહયોગ, કાર્યક્રમો અને પહેલને આગળ ધપાવવામાં આવશે.

    બંને પક્ષો અનેક ક્ષેત્રોમાં નિયમિત રીતે મંત્રીસ્તરીય અને સત્તાવાર સંવાદ કરશે. સહ-ઉત્પાદન, સંબંધિત ઉદ્યોગો અને સંસ્થાઓ વચ્ચે સહયોગ, નવીનતા અને ગતિશીલતા દ્વિપક્ષીય ભાગીદારીને વેગ અને વધુ ઊંડાણ પ્રદાન કરશે અને બંને દેશોની અર્થવ્યવસ્થાઓ અને લોકોને લાભ કરશે.

    બંને નેતાઓએ લોકશાહી, કાયદાના શાસન અને સતત વિકાસના તેમના સહિયારા મૂલ્યોને જાળવી રાખવા માટે બહુપક્ષીય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર તેમની વાતચીત ચાલુ રાખવા અને સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરી હતી. તેઓ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર સહિત બહુપક્ષીય વ્યૂહાત્મક પહેલોના અમલીકરણ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા હતા, જેના તેઓ સ્થાપક સભ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply