પ્રધાનમંત્રી મોદીનો ઈરાનના રાષ્ટ્રપતિ સાથે સંવાદ, શાંતિ અને કૂટનીતિ પર ભાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેજેશ્કિયન સાથે પશ્ચિમ એશિયામાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ટેલિફોન પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ વિસ્તારમાં વધતા તણાવ, સામાન્ય નાગરિકોના મૃત્યુ અને નાગરિક માળખાને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેજેશ્કિયન સાથે પશ્ચિમ એશિયામાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ટેલિફોન પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ વિસ્તારમાં વધતા તણાવ, સામાન્ય નાગરિકોના મૃત્યુ અને નાગરિક માળખાને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું કે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વિસ્તારમાં સર્જાયેલા ગંભીર પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. તેમણે વધતા તણાવ અને નિર્દોષ લોકોના જીવ જતા તેમજ નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી. સાથે જ ભારત માટે ભારતીય નાગરિકોની સુરક્ષા, તેમજ ઊર્જા અને માલસામાનના અવરજવર માટે સુરક્ષિત માર્ગ જાળવવો સૌથી અગત્યની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું.
ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તે માટે ભારતની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી અને તમામ પક્ષોને સંવાદ અને કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી.
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત તમામ દેશો સાથે સંતુલિત અને સકારાત્મક સંબંધો જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ દરમિયાન ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ યથાવત્ છે. ગુરુવારે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કર્યા હોવાની માહિતી સામે આવી છે. ઈરાન તરફથી યેરુશલેમ તરફ મિસાઈલો છોડવામાં આવી હતી, જેમાંથી એક મિસાઈલ જૂના શહેર નજીક વેસ્ટર્ન વોલ, અલ-અક્સા મસ્જિદ અને ચર્ચ ઓફ ધ હોળી સેપલ્કરથી થોડા અંતરે પડી હતી. ઘટનાના કારણે થોડા સમય માટે નમાઝ રોકવી પડી હતી.
બીજી તરફ ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ જણાવ્યું છે કે તેમની રક્ષા પ્રણાલી મિસાઈલોને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે.
IDFએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે રક્ષા પ્રણાલી ખતરાને નિષ્ક્રિય કરવા માટે સક્રિય છે અને સંવેદનશીલ વિસ્તારોમાં લોકોને મોબાઇલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે. નાગરિકોને એલર્ટ મળતા જ તરત સુરક્ષિત સ્થળે જવાની અને નવા નિર્દેશો સુધી ત્યાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
