બેંગકોકની પબમાં ફાટી નીકળી આગ, 27 લોકોનાં સળગી જતાં મોત
Live TV
-
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે વહેલી સવારે એક પબમાં લાગેલી ભીષણ આગે ૨૭ લોકોનો ભોગ લીધો છે. મોડી રાત્રે બનેલી આ કરૂણ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
બેંગકોક: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે વહેલી સવારે એક પબમાં લાગેલી ભીષણ આગે ૨૭ લોકોનો ભોગ લીધો છે. મોડી રાત્રે બનેલી આ કરૂણ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
અડધો કલાકમાં પબ ભસ્મીભૂત
પ્રાપ્ત માહિતી અનુસાર, આગની શરૂઆત મધ્યરાત્રિના અરસામાં થઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પબના મુખ્ય દરવાજેથી આકાશી ઊંચાઈએ જતી આગની લપેટો અને ચારેબાજુ ફેલાયેલો કાળો ધુમાડો જોઈ શકાય છે. જીવ બચાવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમોએ લગભગ ૩૦ મિનિટની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં પબનું માળખું સંપૂર્ણપણે ખાખ થઈ ગયું હતું.
વડાપ્રધાન દ્વારા તપાસના આદેશ
ઘટનાસ્થળે પહોંચેલા થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવીરકુલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ એક અત્યંત કરુણ ઘટના છે. અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે." વડાપ્રધાને આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. હાલ મૃતકોની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે.
થાઈલેન્ડ માટે સુરક્ષાનો મોટો સવાલ
થાઈલેન્ડમાં નાઈટ ક્લબ કે પબમાં આગ લાગવાની આ પ્રથમ ઘટના નથી, જેણે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે:
-
વર્ષ 2022: દેશના પૂર્વી વિસ્તારના એક મ્યુઝિક પબમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા હતા.
-
1 જાન્યુઆરી, 2009: બેંગકોકના સુપ્રસિદ્ધ 'સેન્ટિકા નાઈટક્લબ'માં ન્યૂ યર પાર્ટી દરમિયાન લાગેલી ભીષણ આગમાં 66 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ, શું થાઈલેન્ડના જાહેર મનોરંજન સ્થળોમાં ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન થઈ રહ્યું છે? તે પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
-
