મલેશિયાના પીએમ આજથી ત્રણ દિવસની ભારતની મુલાકાતે
Live TV
-
મલેશિયાના પ્રધાનમંત્રી અનવર બિન ઈબ્રાહિમ સોમવારે ભારતની ત્રણ દિવસીય રાજકીય મુલાકાતે આવી રહ્યા છે.
ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અનવર ઇબ્રાહિમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 19થી 21 ઓગસ્ટ સુધી ભારતની સરકારી મુલાકાતે આવશે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં મલેશિયાના પ્રધાનમંત્રીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ તેઓ રાજઘાટ જશે જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેમના સન્માનમાં બપોરના ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
બાદમાં અનવર ઈબ્રાહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. વિદેશ મંત્રી એસ જયશંકર મલેશિયાના પ્રધાનમંત્રીને પણ મળશે.
"ભારત અને મલેશિયા વચ્ચેના ઐતિહાસિક અને સામાજિક-સાંસ્કૃતિક સંબંધો ખૂબ જ મજબૂત છે. 2015માં વડાપ્રધાન મોદીની મલેશિયાની મુલાકાત દરમિયાન, દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવ્યા હતા," વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
"બંને દેશો આવતા વર્ષે વ્યૂહાત્મક ભાગીદારીના બીજા દાયકામાં પ્રવેશી રહ્યા હોવાથી, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની આ મુલાકાત ભવિષ્ય માટે ભારત-મલેશિયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો કરશે."
આ પહેલા જુલાઈમાં મલેશિયાના મંત્રી જોહરી અબ્દુલ ગની ભારત આવ્યા હતા.
16-19 જુલાઈ દરમિયાન ભારતની મુલાકાતે આવેલા ગનીએ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ ભવન ખાતે મળ્યા હતા અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કૃષિ સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી.
