મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોંઘી સ્વાસ્થ્ય સેવાઓ, સાધન સુવિધાઓ તેમજ દવાઓની ઉપલબ્ધિ જનસામાન્ય માટે આસાન બનાવી છે. તેમણે ગુજરાતના ફાર્માસ્યુટિકલ સેક્ટરની રૂપરેખા આપતાં ઉમેર્યું કે, ફાર્માસ્યુટિકલ કંપનીઓને સુવિધાજનક ઇકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તથા ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને ‘વસુધૈવ કુટુંબકમ’ વિચારધારા વિશ્વને આપી છે. એટલું જ નહીં, આ સંસ્કૃતિ હંમેશા સમગ્ર માનવ જાતિના કલ્યાણ અને સારા સ્વાસ્થ્યની પણ કામના કરે છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી વિશ્વની પીડા ઓછી કરવા માટે પ્રતિબદ્ધ છે અને 21મી સદીના ભારતના અનુભવો તથા જ્ઞાન વિશ્વ સાથે શેર કરીને આગળ વધવામાં વિશ્વાસ રાખે છે.
ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનો પ્રારંભ ગાંધીનગરમાં WHOના વડા ડૉ. ટેડ્રોસ અધનોમ ગેબ્રિયેસસ, દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ, કેંદ્રીય આયુષ રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, ભુટાનના આરોગ્યમંત્રી કુ. લ્યોંપો દશો દેચેન વાંગ્મો, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, WHOના રિજનલ ડિરેક્ટર્સ ડૉ. પુનમ ખેત્રપાલ, ડૉ. વિવિઆન તાતિઆના અને ડૉ. હંસ ક્લુગેની ઉપસ્થિતિમાં થયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં WHOના ટ્રેડિશનલ મેડિસિન માટેના ગ્લોબલ સેન્ટરની સ્થાપના માટે જામનગરને પસંદ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ-ITRA જામનગરમાં કાર્યરત થતાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી કહ્યું કે, વિશ્વ સ્તરીય હેલ્થ કેર સંસ્થાના રૂપમાં અગ્રેસર આ ITRAમાં ૧૪ વિભાગો અને NABL માન્યતા પ્રાપ્ત 6 પ્રયોગશાળાઓ કાર્યરત છે. પ્રધાનમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતે આયુર્વેદ, યુનાની, હોમિયોપેથી તથા યોગને વૈશ્વિક મંચ પર લઈ જવા આયુષ વિઝા અને આયુષ માર્કની ઘોષણા કરવામાં આવેલી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
