રાષ્ટ્રપતિ મુર્મુએ પોર્ટુગલ સંસદની લીધી મુલાકાત, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર કરી ચર્ચા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મંગળવારે (8 એપ્રિલ, 2025) લિસ્બનમાં પોર્ટુગલ સંસદના સ્પીકર જોસ પેડ્રો અગુઈર- બ્રૈંકો સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન બંને નેતાઓએ વિવિધ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાક રિપબ્લિકની ઐતિહાસિક રાજ્ય મુલાકાત પર છે. આ દેશોમાં 25 વર્ષ બાદ ભારતના રાષ્ટ્રપતિએ પહેલી વખત મુલાકાત લીધી છે. રાષ્ટ્રપતિ મુર્મુનું 'અસેમ્બલીયા દા રિપબ્લિકા' ખાતે આગમન પર જોસ પેડ્રો અગુઈર- બ્રૈંકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રાલયએ કહ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 'અસેમ્બલીયા દા રિપબ્લિકા'ના સ્પીકર, જોસ પેડ્રો સાથે અનેક બાબતે ચર્ચા કરી હતી. જેમાં બંને પક્ષોએ ભારત-પોર્ટુગલના સંબંધોને મજબૂત બનાવવાના માર્ગો પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ ભારત-પોર્ટુગલ સંસદીય મિત્રતા જૂથના સભ્યોને મળવા ઉપરાંત સંસદ સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લિસ્બનમાં 'સિટી કી ઓફ ઓનર'થી નવાજવામાં આવ્યા હતા. લિસ્બનના મેયર કાર્લોસ મોએડાસે તેમને આ સન્માન આપ્યું હતું.'
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ લિસ્બનના મેયર અને લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, લિસ્બન તેના ખુલ્લા વિચારો, સંસ્કૃતિ, સહિષ્ણુતા અને વિવિધતા પ્રત્યે આદર માટે જાણીતું છે. લિસ્બન એક વૈશ્વિક શહેર છે, જે ટેકનોલોજીકલ પરિવર્તન, નવીનતા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને ડિજિટલ સંક્રમણમાં મોખરે છે. ભારત અને પોર્ટુગલ આ ક્ષેત્રોમાં વધુ સહયોગ કરી શકે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, 'પોર્ટુગલ એક એવો દેશ છે જેની સાથે આપણા ઐતિહાસિક સંબંધો રહ્યા છે. ભારત અને પોર્ટુગલ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો સદીઓ જૂના છે, અને આપણા રોજિંદા જીવનમાં અલગ છાપ છોડી ગયા છે. આ મુલાકાતો યુરોપિયન યુનિયનમાં બે મહત્વપૂર્ણ ભાગીદારો સાથે ભારતના બહુપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરાશે.'
પોર્ટુગલની છેલ્લી રાજ્ય મુલાકાત 1998 માં થઈ હતી, જ્યારે રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને આ દેશની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી. સૂસાના આમંત્રણ પર 7-8 એપ્રિલ સુધી પોર્ટુગલની રાજ્ય મુલાકાતે છે. પોર્ટુગલથી, રાષ્ટ્રપતિ મુર્મુ સ્લોવાકિયા જશે, જે 29 વર્ષમાં કોઈ ભારતીય રાષ્ટ્રપતિની સ્લોવાકિયાની પ્રથમ મુલાકાત હશે. 9-10 એપ્રિલના રોજ મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ મુર્મુ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની અને વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ સ્લોવાક રિપબ્લિકની રાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ રિચાર્ડ રાસીને પણ મળશે.
