વેનેઝુએલામાં ભૂકંપ પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ટ્રમ્પે કહ્યું - 'શરૂઆતી રિપોર્ટ ચિંતાજનક'
Live TV
-
વેનેઝુએલામાં એક પછી એક આવેલા બે શક્તિશાળી ભૂકંપને કારણે ભારે તબાહી મચી છે, જેમાં મોટી સંખ્યામાં જાનહાનિના અહેવાલો મળી રહ્યા છે. આ કુદરતી આફતને લઈને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "વેનેઝુએલામાં આવેલા ભયાનક ભૂકંપથી થયેલી તબાહીથી હું ખૂબ જ દુઃખી છું. ભારતની જનતા વતી હું વેનેઝુએલાની સરકાર અને ત્યાંના લોકો પ્રત્યે ખાસ કરીને જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં તમામ અસરગ્રસ્ત લોકોની સાથે છીએ. ભારત શક્ય તમામ મદદ કરવા માટે તૈયાર છે."
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "વેનેઝુએલાના લોકો પર આવેલા આ બે મોટા ભૂકંપ ખૂબ જ વિનાશક છે અને તેનાથી મોટી સંખ્યામાં મોત થયા છે. અમેરિકા મદદ માટે તૈયાર છે. મેં સરકારી એજન્સીઓને રાહત કાર્ય માટે તૈયાર રહેવા સૂચના આપી છે. શરૂઆતી રિપોર્ટ ચિંતાજનક છે."
યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)એ ચેતવણી આપી છે કે, આ દુર્ઘટનામાં 10000થી વધુ લોકોના મોત થઈ શકે છે. 7.1 તીવ્રતા અને ત્યારબાદ માત્ર એક મિનિટમાં 7.5 ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર કારાકાસથી 160 કિમી દૂર મોરોન શહેર પાસે 10 કિમીની ઊંડાઈએ હતું.
વેનેઝુએલાના ગૃહ મંત્રી ડાયોસડાડો કેબેલોએ જણાવ્યું હતું કે, કારાકાસના પૂર્વી વિસ્તારમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. તેમણે નાગરિકોને આફ્ટરશોક્સના ભયને કારણે ઈમારતોની અંદર ન રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. આ ભૂકંપની અસર પડોશી દેશ કોલંબિયાના અનેક શહેરોમાં પણ અનુભવાઈ હતી.
