આજથી બજેટના તમામ નવા પ્રસ્તાવો અને ટેક્સ નિયમો અમલી બનશે
Live TV
-
નવા ટેક્સ નિયમો અમલી બનતા કરદાતાને કર ચુકવનાર નહી પરંતુ દેશના વિકાસમાં ભાગીદાર માનવામાં આવશે.
આજથી શરૂ થતા નવા નાણાકીય વર્ષથી બજેટના તમામ નવા પ્રસ્તાવો અને ટેક્સ નિયમો અમલી બનશે. નવા ટેક્સ નિયમો અમલી બનતા કરદાતાને કર ચુકવનાર નહી પરંતુ દેશના વિકાસમાં ભાગીદાર માનવામાં આવશે. નવી કર વ્યવસ્થા, ડિજિટલ અને ફેઇસલેસ સિસ્ટમ પર આધારીત રહેશે. આઇ.ટી. રિટર્ન ફાઇલિંગ, રીટર્ન એસેસમેન્ટ અને રિફંડ સુધી, તમામ સુવિધા ઓનલાઇન રહેશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ આજથી અમલમાં આવે તે રીતે ઈ-કોમર્સ નિકાસ તેમજ વ્યાપક કુરિયર-આધારિત આયાત અને નિકાસને મજબૂત અને સુવ્યવસ્થિત કરવા માટે વ્યાપક સુધારાઓનો એક સેટ અમલી બનાવ્યો છે. આ સુધારાઓમાં કુરિયર નિકાસ પર પ્રતિ કન્સાઇનમેન્ટ 10 લાખ રૂપિયાની મૂલ્ય મર્યાદાને સંપૂર્ણપણે હટાવવા, પરત કરવામાં આવેલ અને નકારવામાં આવેલ પાર્સલના સંચાલન માટે સુવ્યવસ્થિત માળખાની રજૂઆત અને ક્લિયર ન થયેલા શિપમેન્ટ માટે કાયદેસર રીતે સમર્થિત રિટર્ન ટુ ઓરિજિન (RTO) મિકેનિઝમનો સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ્ય વ્યવસાય કરવાની સરળતા વધારવાનો, લોજિસ્ટિક્સની બિનકાર્યક્ષમતા ઘટાડવાનો અને ભારતની વૈશ્વિક નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત કરવાનો છે, ખાસ કરીને MSMEs, કારીગરો અને સ્ટાર્ટ-અપ્સ માટે.
આંતરરાષ્ટ્રીય કુરિયર ટર્મિનલ્સ પર ક્લિયર ન થયેલા અથવા બિનવારસી આયાતી માલના નિકાલમાં ભીડ અને વિલંબને ઉકેલવા માટે, CBIC એ રિટર્ન ટુ ઓરિજિન (RTO) સુવિધા દાખલ કરી છે. જે અંતર્ગત માલ 15 દિવસથી વધુ સમય માટે ક્લિયર થયા વિનાનો અથવા બિનવારસી રહે છે તો સરળ પ્રક્રિયાને અનુસરીને મૂળ સ્થાને પરત કરી શકાય છે. જેથી કુરિયર ટર્મિનલ્સ પર ભીડ ઓછી થવાની અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થવાની અપેક્ષા છે.

