આજે મિઝોરમની તમામ 40 બેઠકો અને છત્તીસગઢમાં પહેલા તબક્કાની 20 બેઠકો પર મતદાન
Live TV
-
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 11 જિલ્લાની 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 40.78 લાખથી વધુ મતદાર કુલ 223 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. આમાં 25 મહિલા ઉમેદવારો અને 198 પરૂષ ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં છે. 10 સીટો મુહુલા, માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, નારાયણપુર, દંતીવાડામાં મતદાન સવારે 7 વાગ્યાથી જ શરૂ થઈ ગયું છે. જે બપોરે 3 વાગ્યા સુધી ચાલશે.
જ્યારે બાકીની 10 બેઠકો ખેરાગઢ, ડોંગલગઢ, ડોંગલગાંવ, ખુદજી, પંડરિયા, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટમાં મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. પહેલા તબક્કાની 20 વિધાનસભા સીટોમાં 7 સીટ સામાન્ય, 1 સીટ અનુસૂચિત જાતિ અને 12 સીટ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ તમામ વિધાનસભા બેઠકો પર કેટલાય મોટા નેતાઓનું ભાવિ દાવ પર પણ લાગ્યું છે. જ્યારે ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરી છે.
મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે. મિઝોરમ વિધાનસભાની કુલ 40 બેઠકો છે અને મિઝોરમમાં 8.52 લાખથી વધુ મતદાર કુલ 174 ઉમેદવારોના ભાગ્યનો આજે નિર્ણય કરશે. મિઝોરમમાં આ વખતે 174 ઉમેદવારોમાંથી 18 મહિલા ઉમેદવારો છે. જ્યારે 156 પૂરૂષ ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ, કોંગ્રેસ અને ઝોરમ પીપલ્સ મૂવમેન્ટે તમામ 40 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે ભાજપ 23 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
