આતંકવાદ પર કોઈ બેવડા ધોરણો નહીં અને કોઈ સમજૂતી નહીં: મલેશિયામાં બોલ્યા પીએમ મોદી
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2026ની પ્રથમ વિદેશ યાત્રામાં મલેશિયાની મુલાકાત લીધી, જ્યાં તેમણે આતંકવાદ સામે "ઝીરો ટોલરન્સ" અને કોઈ પણ સમજૂતી ન કરવાની સ્પષ્ટ વાત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક પરિવર્તન, ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા તથા ભારતીય પ્રવાસીઓની સુવિધા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.
કુઆલાલમ્પુર, 8 ફેબ્રુઆરી: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મલેશિયાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેમણે મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી અને ત્યારબાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ નિવેદન આપ્યું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મલેશિયા ભારતીય મૂળની વસ્તી ધરાવતો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે અને બંને દેશોની સભ્યતાઓ સાંસ્કૃતિક વારસા અને લોકતાંત્રિક મૂલ્યોથી જોડાયેલી છે. તેમણે વડાપ્રધાન અનવર ઈબ્રાહિમના ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે 2026ની પોતાની પ્રથમ વિદેશ યાત્રામાં તેઓ મલેશિયા આવ્યા છે.
પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-મલેશિયા સંબંધોમાં નવી ગતિ અને ઊંડાણ આવ્યું છે. બંને દેશો વચ્ચે ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ અર્થતંત્ર, બાયોટેક, આઈટી, પર્યટન અને પીપલ-ટુ-પીપલ કનેક્શનમાં સહયોગ મજબૂત થયો છે.
તેમણે કહ્યું કે સુરક્ષા સહયોગ, કાઉન્ટર ટેરરિઝમ, ઇન્ટેલિજન્સ શેરિંગ અને મેરીટાઇમ સુરક્ષામાં પણ બંને દેશોનો સહયોગ વધારવામાં આવશે. આ ઉપરાંત એઆઈ (AI), ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષામાં ભાગીદારીને વધુ વિસ્તારવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સીઈઓ ફોરમ દ્વારા નવી વ્યાપાર અને રોકાણની તકો ઊભી થઈ છે અને આ ભાગીદારી ભારત-મલેશિયા વચ્ચે વ્યૂહાત્મક વિશ્વાસ પર આધારિત આર્થિક પરિવર્તનને વેગ આપશે.પીએમ મોદીએ ભારતીય પ્રવાસીઓ સાથેની મુલાકાતને પણ યાદ કરી અને કહ્યું કે લગભગ 30 લાખ ભારતીય પ્રવાસીઓ ભારત અને મલેશિયા વચ્ચે "લિવિંગ બ્રિજ" તરીકે કામ કરી રહ્યા છે. તેમણે પ્રવાસીઓ માટે મલેશિયામાં સોશિયલ સિક્યોરિટી એગ્રીમેન્ટ, મફત ઈ-વીઝા અને યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ જેવા પગલાંનો ઉલ્લેખ કર્યો, જે બંને દેશોના નાગરિકોનું જીવન સરળ બનાવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે અમારા યુવાનો વચ્ચે યુનિવર્સિટી એક્સચેન્જ, સ્ટાર્ટઅપ કનેક્ટ અને સ્કીલ ડેવલપમેન્ટની તકો પણ વધારી રહ્યા છીએ. અમારા વધતા સંબંધોને ટેકો આપવા માટે અમે મલેશિયામાં નવું કોન્સ્યુલેટ પણ ખોલવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે આસિયાન (ASEAN) ની સાથે સમગ્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત આસિયાન સેન્ટ્રાલિટીને પ્રાથમિકતા આપે છે.
તેમણે મલેશિયામાં તમિલ સમુદાય અને તેની સંસ્કૃતિ પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે શિક્ષણ, મીડિયા અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં તમિલ ભાષાનું મજબૂત અને જીવંત યોગદાન છે. તેમણે ઓડિયો-વિઝ્યુઅલ એગ્રીમેન્ટ હેઠળ ફિલ્મ અને સંગીત, ખાસ કરીને તમિલ ફિલ્મો દ્વારા લોકોને વધુ નજીક લાવવાના પ્રયાસ વિશે જણાવ્યું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને મલેશિયા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે અને આસિયાન-ભારત વ્યાપાર કરારની સમીક્ષા વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક અસ્થિરતાના આ માહોલમાં ભારત અને મલેશિયાની વધતી મિત્રતા બંને દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમે શાંતિના તમામ પ્રયાસોને સમર્થન આપતા રહીશું અને આતંકવાદ વિરુદ્ધ અમારો સંદેશ સ્પષ્ટ છે – કોઈ બેવડા ધોરણો નહીં અને કોઈ સમજૂતી નહીં.
તેમણે કહ્યું કે બંને દેશોનો સંબંધ વ્યૂહાત્મક અને માનવીય આધાર પર મજબૂત છે. પીએમ મોદીએ તેમના મલેશિયાના સમકક્ષના આતિથ્ય અને સ્વાગત માટે આભાર માન્યો અને કહ્યું કે તેઓ તેમને ભારતમાં આવકારવા માટે આતુર છે.
