આવતીકાલે સમગ્ર દેશ ઉજવશે પંચાયતી રાજ દિવસ
Live TV
-
પંચાયતી રાજ મુખ્યત્વે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં આવેલ દક્ષિણ એશિયાઈ રાજકીય પ્રથા છે. "પંચાયત" શબ્દ પાંચ(પંચ) અને વિધાનસભા(આયત) પરથી આવ્યો છે. પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કરાયેલ પાંચ વડીલોનો સમૂહ.
પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તર એટલે કે ગામ, તાલુકો અને જિલ્લા સ્તરે કાર્ય કરવામાં આવે છે. દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે.
પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.
જાન્યુઆરી 1957 માં ભારત સરકારે કમ્યુનિટિ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાના કાર્યોની તપાસ કરવા અને તેમના વધુ સારા કાર્ય માટેના પગલા સૂચવવા માટે બળવંતરાય મહેતા સમિતિની નિમણૂક કરી. આ બળવંતરાય મહેતા પાછળથી આપણા ગુજરાતના બીજા મુખ્યમંત્રી થયા.
આ સમિતિએ નવેમ્બર 1957 માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો અને 'લોકશાહી વિકેન્દ્રીકરણ' યોજના સ્થાપવાની ભલામણ કરી હતી, જેને અંતે પંચાયતી રાજ તરીકે ઓળખવામાં આવી. આ ભલામણોને જાન્યુઆરી 1958 માં રાષ્ટ્રીય વિકાસ પરિષદે સ્વીકારી હતી.
લોકશાહી વિકેન્દ્રીકરણમાં તેમના યોગદાનને કારણે બળવંતરાય મહેતાને 'પંચાયતી રાજ આર્કિટેકટ' તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાનું ઉદ્દઘાટન ત્યારના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 2 ઓક્ટોબર, 1959 ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લાના બગદર ગામથી કરાયું હતું. રાજસ્થાન એ દેશનું પહેલું રાજ્ય હતું જ્યાં પંચાયતી રાજ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના 1963 માં કરવામાં આવી હતી. કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને 1950 થી 60ના દાયકામાં અપનાવવામાં આવી હતી. 24 એપ્રિલ, 1993 ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય(73 મો સુધારો) એક્ટ 1992 બંધારણીય દરજ્જો પૂરો પાડે છે.
પંચાયતી રાજનો અમલ કરનાર ગુજરાત આઠમું રાજ્ય છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ના અમલીકરણ સમયે ગુજરાતનાં રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ, મુખ્ય મંત્રી જીવરાજ મહેતા હતા.
