આસામ: રૂ.24,000 કરોડના શિલોંગ-સિલચર કોરિડોરનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે ભૂમિપૂજન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના સિલચરમાં શિલોંગ-સિલચર કોરિડોરના ભૂમિપૂજન કર્યું. આ પછી પ્રધાનમંત્રીએ વિશાળ જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, "કોંગ્રેસના લોકોના મગજના તાળા જ્યાં બંધ થાય છે, ત્યાંથી અમારું કામ શરૂ થાય છે."
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આઝાદીના દાયકાઓ સુધી કોંગ્રેસની સરકારોએ ઉત્તર-પૂર્વ (નોર્થ-ઈસ્ટ)ને દિલ્હી અને દિલથી બંને રીતે દૂર રાખ્યું હતું. કોંગ્રેસે આ વિસ્તારને એક રીતે વિસારે પાડી દીધો હતો, પરંતુ ભાજપની ડબલ એન્જિન સરકારે નોર્થ-ઈસ્ટને એવી રીતે જોડ્યું છે કે આજે ચારેતરફ તેની ચર્ચા થઈ રહી છે. આજે નોર્થ-ઈસ્ટ ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી'નું કેન્દ્ર બની ગયું છે અને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે ભારતને જોડતો સેતુ બની રહ્યું છે.
બરાક વેલીની દુર્દશા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, "જેમ કોંગ્રેસે નોર્થ-ઈસ્ટને તેના હાલ પર છોડી દીધું હતું, તેમ બરાક વેલીને પાયમાલ કરવામાં પણ કોંગ્રેસની મોટી ભૂમિકા રહી છે. આઝાદી સમયે કોંગ્રેસે એવી સીમાઓ દોરવા દીધી કે જેનાથી બરાક વેલીનો દરિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો. જે વેલી ક્યારેક વેપાર માર્ગ અને ઔદ્યોગિક કેન્દ્ર ગણાતી હતી, તેની તાકાત છીનવી લેવામાં આવી."
પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ વિસ્તારના વિકાસને વેગ આપવા માટે રૂ.24,000 કરોડના ખર્ચે શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ તો એ ગણી પણ નહીં શકે કે આવા પ્રોજેક્ટ્સમાં કેટલા મીંડા(શૂન્ય) આવે છે! આ કોરિડોર દ્વારા સિલચર, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા સાથે જોડાઈ જશે.
સીમાવર્તી ગામો વિશે બોલતા પીએમ મોદીએ કહ્યું કે, "કોંગ્રેસ સરહદ પરના ગામોને દેશના 'છેલ્લા ગામ' માનતી હતી, જ્યારે અમે તેને દેશના 'પ્રથમ ગામ' માનીએ છીએ. એટલે જ અમે 'વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' દ્વારા સરહદી વિસ્તારોનો વિકાસ કરી રહ્યા છીએ."
ખેડૂતોના મુદ્દે પણ પ્રધાનમંત્રીએ ટકોર કરી કે, કોંગ્રેસના શાસનકાળમાં આસામમાંથી પ્રધાનમંત્રી ચૂંટાયા હોવા છતાં ખેડૂતોને સીધી આર્થિક મદદ મળી નહોતી. જ્યારે ભાજપ સરકાર પીએમ-કિસાન યોજના દ્વારા સીધા નાણાં જમા કરાવી રહી છે.
