ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં આગ લાગતાં 9 મુસાફરોના મોત
Live TV
-
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં આગ લાગતાં 9 મુસાફરોના મોત
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત યમુના એક્સપ્રેસ વે પર ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. નોઈડાથી આગ્રા તરફ જઈ રહેલી એક લક્ઝરી સ્લીપર બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા 9 મુસાફરો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે સદનસીબે અન્ય ઘણા મુસાફરો બારીઓમાંથી કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
મધ્યરાત્રિએ સર્જાઈ ભયાનક દુર્ઘટના
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગમખ્વાર અકસ્માત મધ્યરાત્રિના સુમારે જેવર પોલીસ સ્ટેશન વિસ્તારના દયાનતપુર ગામ નજીક બન્યો હતો. સ્લીપર બસ નોઈડાથી આશરે 35 જેટલા મુસાફરોને લઈને આગ્રા જઈ રહી હતી. અચાનક ચાલતી બસમાં શોર્ટ સર્કિટ કે અન્ય કારણસર આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે મુસાફરોને સંભળવાનો કે બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો.મુસાફરોએ બારીઓમાંથી કૂદીને બચાવ્યો જીવ
બસની અંદર આગ લાગવાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. બસમાં સવાર કેટલાક જાગૃત મુસાફરો અને ડ્રાઈવરની સમયસૂચકતાથી બારીઓના કાચ તોડીને અથવા કૂદીને જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યો શોક
આ દુર્ઘટના અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તંત્રને નિર્દેશ આપ્યો છે કે ઈજાગ્રસ્તોને ત્વરિત અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે. પ્રશાસન દ્વારા મૃતકોની ઓળખ કરવાની અને અકસ્માતના સાચા કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
