કચ્છના ધોળાવીરાને કેન્દ્ર સરકાર દ્વારા મળ્યો કેટેગરી Aનો દરજ્જો
Live TV
-
તાજમહેલ, લાલ કિલ્લા સહિત દેશના અતિ મહત્વના 30 રાષ્ટ્રીય સ્મારકોની શ્રેણીમાં થયું સામેલ.. નવા નિયમો હેઠળ ધોળાવીરાના સંરક્ષણ, દેખરેખ અને વ્યવસ્થાપન માટે લાગુ થશે વધુ કડક જોગવાઈ.. મુખ્યમંત્રીએ ગુજરાત માટે ગણાવી ગૌરવની ક્ષણ
કેન્દ્ર સરકારના નવા ગેઝેટ નોટિફિકેશન બાદ ધોળાવીરાના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે... ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ધોળાવીરાને કેટેગરી-Aના દરજ્જામાં સામેલ કરવામાં આવ્યું છે..કચ્છનું ધોળાવીરા હવે તાજમહેલ અને લાલ કિલ્લા જેવા દેશના મહત્વના સ્મારકોની શ્રેણીમાં આવશે, નવા નિયમો હેઠળ ધોળાવીરાના સંરક્ષણ, દેખરેખ અને વ્યવસ્થાપન માટે વધુ કડક જોગવાઈ કરવામાં આવી છે. સ્મારકની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં નવા બાંધકામ પર નિયંત્રણ રહેશે. તેમજ નિયંત્રિત વિસ્તારમાં બાંધકામ માટે સંબંધિત સત્તાધિકારીની પૂર્વ મંજૂરી જરૂરી રહેશે. આ અંગેની માહિતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની માહિતી આપતાં તેમણે ધોળાવીરાને કેટેગરી-Aનો દરજ્જો મળવાને ગુજરાત માટે ગૌરવની ક્ષણ ગણાવી છે.
પુરાતત્વ વિભાગે તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા ‘પ્રાચીન સ્મારક તથા પુરાતત્વિય સ્થળ અને અવશેષ (સુધારા) નિયમો, 2026’ ના ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન હેઠળ આ ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. આ નવા દરજ્જા સાથે ધોળાવીરા હવે તાજમહેલ, દિલ્હીના લાલ કિલ્લા અને હમ્પી જેવા દેશના સર્વોચ્ચ 30 સ્મારકોની રાષ્ટ્રીય હરોળમાં સત્તાવાર રીતે સામેલ થઈ ગયું છે.
કેન્દ્ર સરકારે વર્ષ 1959ના મૂળ પ્રાચીન સ્મારક નિયમોની ‘બીજી અનુસૂચિ’ (રૂલ 6)માં સુધારો કરવા માટે આ નવો ખરડો તૈયાર કર્યો છે. નવા નોટિફિકેશન અનુસાર દેશભરના સંરક્ષિત સ્મારકોને બે મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં ભાગ-1 હેઠળ દેશના ટોચના 30 સ્મારકોને ‘કેટેગરી-A’માં અને ભાગ-2 હેઠળ અન્ય 136 સ્મારકોને ‘કેટેગરી-B’માં મૂકવામાં આવ્યા છે. સરકારી ગેઝેટમાં આ ડ્રાફ્ટ નિયમો પ્રસિદ્ધ થયાના 45 દિવસની અંદર સામાન્ય નાગરિકો કે હિતધારકો પોતાના વાંધા અને સૂચનો ASI નવી દિલ્હીના ડાયરેક્ટર જનરલને મોકલી શકશે, જેના અભ્યાસ બાદ નિયમો આખરી રીતે દેશભરમાં અમલી બનશે.
નવા ગેઝેટ મુજબ ગુજરાતના કુલ 8 સ્મારકોને આ રાષ્ટ્રીય યાદીમાં સ્થાન મળ્યું છે. જે પૈકી ‘કેટેગરી-A’માં ધોળાવીરા ઉપરાંત પંચમહાલ જિલ્લાનું પાવાગઢ-ચંપાનેર સ્મારક અને પાટણની ઐતિહાસિક રાણી-કી-વાવ એમ ત્રણ સ્થળોનો સમાવેશ થાય છે. જ્યારે ‘કેટેગરી-B’ હેઠળ રાજ્યના પાંચ સ્મારકો—મહેસાણાનું મોઢેરા સૂર્ય મંદિર, ગાંધીનગરની અડાલજ વાવ તેમજ જૂનાગઢ ખાતે આવેલી બૌદ્ધ ગુફાઓ, અશોકના શિલાલેખ અને ખાપરા કોડિયા ગુફાઓને સ્થાન મળ્યું છે.
