કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં કર્યો ધરખમ ઘટાડો, હરદીપ સિંહ પુરીએ આપી માહિતી
Live TV
-
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે(27 માર્ચ, 2026) જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી અનિશ્ચિતતા અને વધતા ભાવોથી દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવા દીધો નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો આસમાને પહોંચી છે. ક્રૂડનો ભાવ બેરલ દીઠ 70 ડોલરથી વધીને લગભગ 122 ડોલર સુધી પહોંચી ગયો છે. આ વૈશ્વિક ઉછાળાને કારણે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં ઈંધણના ભાવમાં 30 થી 50 ટકા, ઉત્તર અમેરિકામાં 30 ટકા અને યુરોપમાં 20 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
હરદીપ સિંહે વધુમાં ઉમેર્યું કે, "મોદી સરકાર પાસે બે વિકલ્પો હતા, કાં તો અન્ય દેશોની જેમ ભારતીય નાગરિકો પર ભાવવધારાનો બોજ નાખવો અથવા તો સરકારી તિજોરી પર પડતા બોજને જાતે વહન કરવો. પ્રધાનમંત્રીએ દેશવાસીઓની સુરક્ષા માટે આર્થિક નુકસાન વેઠીને પણ ભાવ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે."
આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભાવોને કારણે તેલ કંપનીઓને પેટ્રોલ પર લિટર દીઠ આશરે 24 રૂપિયા અને ડીઝલ પર 30 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. આ નુકસાનને સરભર કરવા અને જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં લિટર દીઠ 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો છે:
પેટ્રોલ: એક્સાઈઝ ડ્યૂટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી.
ડીઝલ: એક્સાઈઝ ડ્યૂટી 10 રૂપિયાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી.વધુમાં, સરકારે તેલના નિકાસ પર 'એક્સપોર્ટ ટેક્સ' પણ લગાવ્યો છે, જેથી રિફાઇનરીઓ વિદેશમાં તેલ મોકલવાને બદલે સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે લેવાયેલો આ નિર્ણય ભારતીય ગ્રાહકો માટે મોટી રાહત સમાન છે.
