છેલ્લા 10 વર્ષમાં અવકાશ ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અભૂતપૂર્વ : જીતેન્દ્ર સિંહ
Live TV
-
દેશ આજે બીજા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરી રહ્યો છે, જે ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સફળતાને સમર્પિત છે.
આ પ્રસંગે, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણન પણ હાજર હતા.
ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું, "બે વર્ષ પહેલાં, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. તાજેતરમાં, શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનાર પ્રથમ ભારતીય બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. હું ગર્વથી કહી શકું છું કે એક્સિઓમ-4 મિશનમાં જોડાવાનું આમંત્રણ તેમના તરફથી આવ્યું હતું. ભારતીય પ્રતિભાને હવે ઓળખ મળી રહી છે."
છેલ્લા 10 વર્ષમાં અવકાશ ટેકનોલોજીમાં ભારતની અભૂતપૂર્વ પ્રગતિ
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરતા કહ્યું, "ભારતે છેલ્લા 10 વર્ષમાં અવકાશ ટેકનોલોજીમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. 'ઓપરેશન સિંદૂર' એ અમને પાકિસ્તાનની ધરતી પર આ ટેકનોલોજીનું પરીક્ષણ કરવાની તક આપી અને દુનિયાને બતાવ્યું કે મોદી સરકારે છેલ્લા 11 વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શું હાંસલ કર્યું છે."
શુભાંશુ શુક્લાએ કહ્યું
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ કહ્યું, "અમે શું કરી રહ્યા છીએ અને શું આયોજન કરી રહ્યા છીએ તે જોઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. બે વર્ષ પહેલાં આપણને ઉજવણી કરવાની તક મળી ન હતી. એક વર્ષમાં, તે શક્ય છે. આપણી પાસે આગળ વધવા માટે ઘણા મિશન છે - ગગનયાન, ભારતીય અવકાશ મથક અને ચંદ્ર પર ઉતરાણ. આપણને ફક્ત ઉત્સાહની જરૂર છે. અહીં બેઠેલા દરેક બાળક પાસેથી આ દિશામાં આગળ વધવાની અપેક્ષા છે. દેશને તમારી જરૂર છે."
રાજનાથ સિંહે X પર લખ્યું
અગાઉ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાષ્ટ્રીય અવકાશ દિવસની શુભેચ્છા પાઠવી હતી. રાજનાથ સિંહે X પર લખ્યું હતું કે, "રાષ્ટ્રીય અવકાશ દિવસ પર, આપણે ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છીએ, જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત અવકાશ સંશોધનમાં નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, અનંત શક્યતાઓના દરવાજા ખોલી રહ્યું છે. હું આપણા દેશના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું, જેમના સમર્પણ અને પ્રતિભા આપણને ગર્વ કરાવે છે."
