જમ્મુ અને કાશ્મીરમાં મોટો આતંકવાદીઓનું કાવતરુ નિષ્ફળ
Live TV
-
જમ્મુ-કાશ્મીર પોલીસને મળી મોટી સફળતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સાત શંકાસ્પદોની ધરપકડ કરી છે અને આશરે 2,900 કિલો વિસ્ફોટકો, શસ્ત્રોનો જથ્થો અને અનેક ગુનાહિત વસ્તુઓ જપ્ત કરી છે.
ધરપકડ કરાયેલા શંકાસ્પદોમાં આરીફ નિસાર ડાર ઉર્ફે સાહિલ, યાસીર-ઉલ-અશરફ, મક્સૂદ અહેમદ ડાર ઉર્ફે શાહિદ, મૌલવી ઇરફાન અહેમદ, ઝમીર અહેમદ અહંગર ઉર્ફે મુતલાશા, ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનઈ ઉર્ફે મુસૈબ અને ડૉ. અદીલનો સમાવેશ થાય છે.
પોલીસે દરોડા દરમિયાન મોટી માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આમાં એક ચાઇનીઝ પિસ્તોલ અને દારૂગોળો, એક બેરેટા પિસ્તોલ અને દારૂગોળો, એક AK-56 અને દારૂગોળો, એક AK ક્રિંકોફ રાઇફલ અને દારૂગોળો, અને 2,900 કિલો IED સામગ્રી (વિસ્ફોટક પદાર્થો, રસાયણો, બેટરી, ટાઈમર, વાયર, રિમોટ કંટ્રોલ અને મેટલ શીટ સહિત)નો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ વિદેશી હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતી અને એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા ભંડોળ, ભરતી અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડતી હતી.
શંકા ટાળવા માટે આતંકવાદીઓએ સોશિયલ મીડિયા અને શૈક્ષણિક નેટવર્ક દ્વારા ભંડોળ એકત્ર કરવાની એક સિસ્ટમ સ્થાપિત કરી હતી. આ સમગ્ર નેટવર્ક "વ્હાઇટ-કોલર ટેરર ઇકોસિસ્ટમ" તરીકે કાર્યરત હતું, જેમાં કેટલાક વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.
આ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 19 ઓક્ટોબરના રોજ શ્રીનગરના નૌગામના વિવિધ વિસ્તારોમાં જૈશ-એ-મોહમ્મદના ધમકીભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
