દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશભરમાં સક્રિય
Live TV
-
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશભરમાં સક્રિય, ગુજરાત સહિત આ 6 રાજ્યોમાં 'રેડ એલર્ટ', મુંબઈમાં આકાશી આફત
દેશના મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરીને મોટાભાગના હિસ્સાને આવરી લીધો છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય બફારા અને ભીષણ ગરમીનો સામનો કરી રહેલા લોકોને મેઘરાજાના આગમનથી મોટી રાહત મળી છે. જોકે, કેટલાક રાજ્યોમાં હવે વરસાદ મુશ્કેલી વધારી રહ્યો છે. હવામાન વિભાગે આજે દેશના અનેક રાજ્યોમાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
ગુજરાત સહિત 6 રાજ્યોમાં 'રેડ એલર્ટ': ધોધમાર વરસાદની આશંકા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાઈ પવન અને લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે સાબિત થઈ શકે છે. વિભાગ દ્વારા ગુજરાત (ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો), કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા,પશ્ચિમી મધ્ય પ્રદેશ વિસ્તારોમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા આ વિસ્તારોના નાગરિકોને નીચાણવાળા ભાગોમાં ન જવા અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
મુંબઈમાં 'ઓરેન્જ એલર્ટ': આગામી 3 દિવસ રાહત નહીં!
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘતાંડવ યથાવત રહેશે. હવામાન વિભાગના મતે, મુંબઈગરાંને આગામી 3 દિવસ સુધી વરસાદથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. મુંબઈ માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જેના કારણે લોકલ ટ્રેન અને માર્ગ વાહનવ્યવહારને અસર થવાની ભીતિ છે.
પંજાબ-હરિયાણામાં રવિવારથી ગાજવીજ સાથે વરસાદ, દિલ્હીમાં ઝાપટાં
પંજાબ અને હરિયાણા: ઉત્તર ભારતના આ બંને કૃષિપ્રધાન રાજ્યોમાં રવિવારથી ચોમાસું વધુ જોર પકડશે. અહીં રવિવાર માટે ભારે વરસાદ અને તીવ્ર ગાજવીજનું એલર્ટ આપવામાં આવ્યું છે.
દિલ્હી-NCR: દેશના પાટનગર દિલ્હીમાં આજે સામાન્ય રાહત રહેશે. દિલ્હીમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ક્યાંક-ક્યાંક હળવા ઝાપટાં પડવાની આગાહી છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે.
દેશના અન્ય ભાગોમાં કેવી રહેશે સ્થિતિ?
આજે છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મરાઠવાડા, પશ્ચિમ રાજસ્થાન તેમજ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની આશંકાને પગલે પ્રવાસીઓને સાવચેત રહેવા જણાવાયું છે.
