દિલ્હી-NCRમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, દેશના 25 રાજ્યોમાં એલર્ટ
Live TV
-
દેશના અનેક રાજ્યોના કેટલાક ભાગોમાં ચોમાસું ફરીથી પૂરા વેગ સાથે સક્રિય થઈ ગયું છે. જેના કારણે મેદાની વિસ્તારોથી લઈને પહાડી રાજ્યો સુધી હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.
દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના અનેક હિસ્સાઓમાં આજે(23 ઓગસ્ટ) સવારે સાડા ચાર વાગ્યા આસપાસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદની સાથે તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તેવામાં ભારતીય હવામાન વિભાગે
દિલ્હી-NCR સહિત ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે.દિલ્હી, ઉત્તર પ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ, હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં આકાશમાં વાદળો છવાયેલા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ સ્થળોએ ઠંડા પવનો સાથે આખો દિવસ જોરદાર વરસાદ પડવાની પૂરી સંભાવના છે. તેનાથી તાપમાનમાં ભારે ઘટાડો થશે અને લોકોને ઉકળાટ ભરી ગરમીથી મોટી રાહત મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટના રોજ દેશના 25 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ અને નાગાલેન્ડમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે.
મેદાની રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને બિહારના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડશે. ઉત્તર પ્રદેશ અને બિહાર ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વરસાદે પહાડી રાજ્યોમાં મુશ્કેલીઓ ઘણી વધારી દીધી છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં સતત થઈ રહેલા વરસાદને કારણે જમીન બેસી જવાની અને પર્વતો પર લેન્ડસ્લાઇડ (ભૂસ્ખલન)નું ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને સંપર્ક માર્ગો પર ચટાણો પડવાને કારણે અનેક જગ્યાએ વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. જેના કારણે સેંકડો પ્રવાસીઓ અને સ્થાનિક લોકો રસ્તામાં જ ફસાઈ ગયા છે.
