પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપી સલાહ- 'ટેકનોલોજીના ગુલામ ન બનો, પોતાનો વિસ્તાર કરો'
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ 'પરીક્ષા પે ચર્ચા'માં વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ગુલામ બનવાને બદલે તેના માલિક બનવા સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે AI જેવી ટેકનોલોજીથી ડરવાની જરૂર નથી, પરંતુ મોબાઈલના વળગણથી દૂર રહીને પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરવો જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમની 9મી આવૃત્તિના બીજા એપિસોડમાં વિદ્યાર્થીઓ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સાવધ કરતા જણાવ્યું હતું કે, ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરવો જોઈએ પરંતુ તેના ગુલામ બનવાથી બચવું જોઈએ.
કોઈમ્બતુરના વિદ્યાર્થી આદિ વિક્રમે પૂછેલા પ્રશ્ન કે "શું આપણે AI થી ડરવું જોઈએ?" તેના જવાબમાં પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે દરેક યુગમાં નવી ટેકનોલોજી આવતી હોય છે. અગાઉ જ્યારે કમ્પ્યુટર આવ્યું ત્યારે પણ આવી જ ચર્ચાઓ થતી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આપણે કોઈ પણ નવી શોધથી ડરવાની જરૂર નથી, પરંતુ એ નક્કી કરવું જોઈએ કે તેના પર આપણો અંકુશ રહે. પીએમ મોદીએ ટકોર કરી હતી કે, "ટેકનોલોજી આપણો માલિક ન બની શકે, નિર્ણાયક આપણે પોતે જ રહેવું જોઈએ."
પ્રધાનમંત્રીએ આજની પેઢીમાં વધતા મોબાઈલના વળગણ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઘણા બાળકો માટે મોબાઈલ તેમનો 'માલિક' બની ચૂક્યો છે. જો મોબાઈલ ન હોય તો તેઓ જમી શકતા નથી અને ટીવી વગર રહી શકતા નથી, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે તેઓ ટેકનોલોજીના ગુલામ બની ગયા છે. તેમણે સલાહ આપી કે મનમાં એકવાર નક્કી કરી લો કે તમે કોઈના ગુલામ નથી, ત્યારબાદ તમે ટેકનોલોજીનો મહત્તમ અને શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો.
AI ના ઉપયોગનું ઉદાહરણ આપતા પીએમ મોદીએ જણાવ્યું કે, જો તમે AI નો ઉપયોગ કોઈ સારી પુસ્તક શોધવા કે માર્ગદર્શન મેળવવા કરો તો તે ફાયદાકારક છે. પરંતુ જો તમે વાંચવાને બદલે AI ને જ બધું કામ સોંપી દો તો તે જોખમી છે. તેમણે અંતમાં ઉમેર્યું કે સમયની સાથે નોકરીઓનું સ્વરૂપ બદલાતું રહેશે, તેથી આપણે ટેકનોલોજીને સમજીને પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરવો જોઈએ. જો આપણે આપણા કામમાં 'વેલ્યુ એડિશન' કરીશું, તો ગમે તેવી ટેકનોલોજી આવે તેનાથી ડરવાની જરૂર નથી, ઉલટું આપણે તેનો લાભ મેળવી શકીશું.
