પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હૈદરાબાદમાં અનેક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હૈદરાબાદમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યા બાદ સિકંદરાબાદ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીની આવતીકાલથી શરૂ થનારી ત્રણ રાજ્યોની મુલાકાતના પ્રથમ ચરણમાં તેઓ તેલંગાણામાં કુલ 11 હજાર 355 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ ઉપરાંત અનેક રેલવે અને ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી સિકંદરાબાદથી તિરુપતી વચ્ચેની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. બે તેલુગુ રાજ્યો, તેલંગાણા અને આંધ્રપ્રદેશ માટે આ બીજી વંદે ભારત ટ્રેન છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી લગભગ 715 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવેલા સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે અને સિકંદરાબાદ-મહાબૂબનગર ડબલિંગ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ 13 નવી MMTS સેવાઓનું ઉદ્ઘાટન પણ કરશે. તેઓ 6 ધોરીમાર્ગ વિસ્તરણ પ્રોજેક્ટ્સ અને AIMS બીબીનગરના વિવિધ વિકાસ કાર્યો માટે વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ પણ કરશે. દરમિયાન, રાજ્ય સરકારે પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને સધન સુરક્ષા વ્યવસ્થા કરી છે.
