પ્રધાનમંત્રી મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે(20 એપ્રિલ, 2026) નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી મોદી સાથેની આ સમિટમાં સામેલ થતા પહેલા રાષ્ટ્રપતિ લીએ ભારતમાં વસતા દક્ષિણ કોરિયાના નાગરિકો સાથે મુલાકાત કરી હતી.
ભારત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ અહીં રહેતા દક્ષિણ કોરિયાઈ સમુદાયને મળ્યા હતા. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરતા તેમણે લખ્યું, "મેં મારા એવા વિદેશી દેશવાસીઓનું સ્વાગત કર્યું જેઓ વિદેશમાં રહીને 'રિપબ્લિક ઓફ કોરિયા'નું નામ રોશન કરી રહ્યા છે. મારી ભારતની આ રાજકીય મુલાકાતના એજન્ડામાં આ સૌથી પ્રથમ કાર્ય હતું. હું મારા એ સાથી દેશવાસીઓના પ્રયત્નો અને ખંત પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરું છું, જેમણે વિદેશી વાતાવરણમાં જીવનનો નવો પાયો નાખવા માટે પોતાનો દેશ છોડ્યો છે."
રાષ્ટ્રપતિ લીએ જણાવ્યું હતું કે, "મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) સંઘર્ષ પછી સપ્લાય ચેઈનમાં ચાલી રહેલી અસ્થિરતા અને વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે, રિપબ્લિક ઓફ કોરિયા અને ભારત એકબીજા માટે વધુ મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારો બન્યા છે. મને આશા છે કે આ સમિટના અવસરે આપણા સંબંધો વધુ ઊંડા અને વ્યાપક બનશે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આવા સમયે આપણા વિદેશી ભાઈઓ જેઓ બંને દેશો વચ્ચે સેતુ સમાન છે, તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. તમે સ્થાનિક સ્તરે જે વિશ્વાસ અને અનુભવ મેળવ્યો છે, તેના આધારે હું તમને વિનંતી કરું છું કે તમે બંને દેશોના સંબંધોને આગળ ધપાવવા માટે એક મજબૂત પ્રેરક શક્તિ તરીકે કામ કરતા રહો.:
નાગરિકોની સુરક્ષા માટે ખાતરી
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, "તમારા ઉષ્માભર્યા સ્વાગતથી મને ખૂબ હિંમત મળી છે. સરકાર એ બાબત પર વધુ ધ્યાન આપશે કે આપણા દેશના લોકો, જેઓ રિપબ્લિક ઓફ કોરિયાની પ્રગતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, તેઓ ભલે ગમે ત્યાં હોય પણ આપણા નાગરિકો તરીકે સુરક્ષિત અને સન્માન સાથે જીવી શકે. ફરી એકવાર, હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું."
