પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી મોદી શ્રી કલ્કિ ધામ મંદિરના મોડેલનું પણ અનાવરણ કરશે અને આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ સવારે સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી શ્રી કલ્કિ ધામ મંદિરના મોડેલનું પણ અનાવરણ કરશે અને આ પ્રસંગે સભાને સંબોધશે. શ્રી કલ્કિ ધામનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. આ કાર્યક્રમમાં અનેક સંતો, ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ત્યાર બાદ બપોરે, પ્રધાનમંત્રી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 દરમિયાન પ્રાપ્ત રોકાણ દરખાસ્તો માટેના ચોથા ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહમાં સમગ્ર ઉત્તર પ્રદેશમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના 14 હજાર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઈટી અને આઈટીઈએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને એન્ટરટેઈનમેન્ટ અને એજ્યુકેશન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ, ટોચની વૈશ્વિક અને ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓ, રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો સહિત લગભગ પાંચ હજાર સહભાગીઓ ઉપસ્થિત રહેશે.
