પ્રધાનમંત્રી વન અર્થ વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થકેયર ઈન્ડિયાનું ઉદ્ધાટન કરશે
Live TV
-
આ કાર્યક્રમમાં દસ દેશોના આરોગ્ય મંત્રીઓ હાજર રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક વીડિયો સંદેશ દ્વારા એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા-AHCI 2023ની 6ઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. આરોગ્ય મંત્રાલય દ્વારા આયોજિત, આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા સહિત અનેક નેતાઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં દસ દેશોના આરોગ્ય મંત્રીઓ હાજર રહેશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અન્ડર સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ઇવેન્ટ દરમિયાન ઇકોસિસ્ટમ નિર્માણ અને આરોગ્ય સંબંધિત વિવિધ હિસ્સેદારો વચ્ચે વૈશ્વિક સહયોગ અને ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મુખ્ય ધ્યાન દર્દી અને આરોગ્યસંભાળ કાર્યબળની ગતિશીલતા પર રહેશે જેથી કરીને વિવિધ દેશોના દર્દીઓને મૂલ્ય આધારિત આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડી શકાય. તેમણે કહ્યું કે આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય ભારતને પોસાય તેવા ખર્ચે ગુણવત્તાયુક્ત અને વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ સેવાઓની સાથે પાયાની સુખાકારી સેવાઓ પ્રદાન કરવાના નવા હબ તરીકે રજૂ કરવાનો છે.
આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને વરિષ્ઠ અધિકારીઓ, વિદેશી પ્રતિનિધિઓ અને આરોગ્ય સંભાળ ક્ષેત્ર સાથે સંબંધિત ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં 470 થી વધુ વિદેશી પ્રતિનિધિઓ ભાગ લેશે. દસ દેશોના આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય સહકાર બેઠક યોજાશે.ઇવેન્ટમાં હિતધારકો દ્વારા લગભગ 100 એમઓયુ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. વિવિધ દેશોના આરોગ્ય મંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓ પણ આયુષ હોસ્પિટલોની મુલાકાત લેશે.
ભારત બધા માટે આરોગ્યસંભાળની સમાન પહોંચ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે અને G-20 અધ્યક્ષપદ દરમિયાન, તે વન અર્થ - વન હેલ્થના તેના વિઝન સાથે સમગ્ર વિશ્વમાં આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરવા માટે પ્રયત્નશીલ છે. વિશ્વના નકશા પર ભારત તાજેતરના વર્ષોમાં મેડિકલ ટુરિઝમ માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.
