બિહારમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ વેર્યો વિનાશ, વિજળી પડવાથી 10 લોકોના મોત
Live TV
-
મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેકને ૪ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
બિહારમાં શનિવારથી સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા અને વીજળી પડવાથી ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયા છે અને ૧૩ લોકો ઘાયલ થયા છે. હવામાનમાં અચાનક આવેલા ફેરફારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વિનાશક સ્થિતિ સર્જાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, વીજળી પડવાથી સાત લોકોનાં મોત થયા છે, જ્યારે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ત્રણ લોકોના મોત થયા છે. આમાં પશ્ચિમ ચંપારણમાં બે, ભોજપુર, જહાનાબાદ અને કિશનગંજમાં એક-એક અને અરવલમાં બે લોકોના મોતનો સમાવેશ થાય છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વૈશાલી, રોહતાસ અને મુઝફ્ફરપુર જિલ્લામાં એક-એકના મોતની પુષ્ટિ થઈ છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેકને ૪ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારમાં સતત વરસાદ આજે પણ ચાલુ રહેશે. જેના કારણે હવામાન વિભાગ, પટનાએ ઉત્તર બિહારના ૧૦ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ૫ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે ૨૫ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સિવાન, સારણ, મુઝફ્ફરપુર, શિવહર, સીતામઢી, દરભંગા અને મધુબનીમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે વૈશાલી, સમસ્તીપુર, પટના, ભોજપુર અને બક્સરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
