બિહાર ચૂંટણી વચ્ચે RJDને મોટો ઝટકો: 'લેન્ડ ફોર જોબ' કેસમાં લાલુ-તેજસ્વી સહિત 14 આરોપીઓ સામે આરોપ નક્કી
Live TV
-
બિહાર ચૂંટણી વચ્ચે RJDને મોટો ઝટકો: 'લેન્ડ ફોર જોબ' કેસમાં લાલુ-તેજસ્વી સહિત 14 આરોપીઓ સામે આરોપ નક્કી
બિહાર વિધાનસભાની ચૂંટણીની ગરમાગરમી વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને લાલુ પ્રસાદ યાદવના પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે. 'લેન્ડ ફોર જોબ્સ' કૌભાંડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે (13 ઓક્ટોબર, 2025) લાલુ પ્રસાદ યાદવ, બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સહિત કુલ 14 આરોપીઓ સામે આરોપો ઘડ્યા છે. આ નિર્ણયનો અર્થ એ છે કે હવે આ તમામ આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવશે.
કઈ કલમો હેઠળ આરોપ ઘડાયા?
કોર્ટે આરોપીઓ સામે IPCની કલમ 420 (ઠગાઈ), IPC 120B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ આરોપો ઘડ્યા છે. આ ઉપરાંત, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(2) અને 13(1)(d) હેઠળ પણ આરોપો ઘડવામાં આવ્યા છે. જોકે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(2) અને 13(1)(d) માત્ર લાલુ પ્રસાદ યાદવને જ લાગુ પડે છે.
લાલુ પરિવારે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો
જ્યારે કોર્ટે લાલુ યાદવને પૂછ્યું કે શું તેઓ પોતાનો ગુનો કબૂલ કરે છે, ત્યારે લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ ત્રણેયે ગુનો કબૂલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ટ્રાયલનો સામનો કરશે. રાબડી દેવીએ આ કેસને "ખોટો કેસ" ગણાવ્યો હતો.
ચૂંટણી પહેલાં આવેલો આ કોર્ટનો નિર્ણય RJD માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
