બિહાર: બેગુસરાયમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, ચાર યુવકોના મોત, હાઈવે પર ટ્રાફિકજામ
Live TV
-
બિહારના બેગુસરાય જિલ્લામાં રવિવારે(28 જૂન) મોડી રાત્રે તેજ રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. સિંઘૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના અંગ્રેજી ઢાલા પાસે NH-31 પર બે સ્કોર્પિયો વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પોખરિયા નિવાસી હિમાંશુ કુમાર, સની કુમાર, સિકંદર મહતો અને ઋષભ કુમાર તરીકે થઈ છે. તમામ મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, પોખરિયાના છ મિત્રો મોડી રાત્રે સ્કોર્પિયોમાં ગંગા સ્નાન માટે સિમરિયા જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી બીજી સ્કોર્પિયો સાથે તેમની જોરદાર ટક્કર થઈ ગઈ હતી. બીજી સ્કોર્પિયો બખરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જાન લઈને વિનોદપુર જઈ રહી હતી.
ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનોના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. એક સ્કોર્પિયો સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અકસ્માતની જાણ થતા જ સિંઘૌલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોકટરોના જણાવ્યા અનુસાર, ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાથી મૃતકોની સંખ્યા વધવાની આશંકા નકારી શકાય તેમ નથી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કરનો અવાજ ઘણે દૂર સુધી સંભળાયો હતો. અકસ્માત બાદ થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો.
પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતનું કારણ તેજ રફ્તાર અને સામસામેની ટક્કર જણાય છે. જોકે, અકસ્માતના વાસ્તવિક કારણો જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
