બેંક હડતાળ અગાઉ નાણા મંત્રાલયનો મોટો નિર્ણય
Live TV
-
બેંક હડતાળ અગાઉ નાણા મંત્રાલયનો મોટો નિર્ણય
દેશભરના બેંક ગ્રાહકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. બેંક કર્મચારી યુનિયનોના સંયુક્ત મંચ 'યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ' (UFBU) દ્વારા ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન પુકારવામાં આવેલી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગ્રાહકોને અસુવિધા ન થાય તે માટે આજે, રવિવાર, 27 સપ્ટેમ્બર 2026 ના રોજ તમામ જાહેર ક્ષેત્રની બેંકો (Public Sector Banks) અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (Regional Rural Banks) રાબેતા મુજબ ચાલુ રહેશે.
ગ્રાહકોના નાણાકીય વ્યવહારો અટવા ન પડે તે માટે રવિવારે તમામ બેંક શાખાઓ ખુલ્લી રહેશે. ભારતીય રિઝર્વ બેંકે રવિવારે બેંક શાખાઓ, કાર્યાલયો, એટીએમ સાથે જોડાયેલી શાખાઓ અને કરન્સી ચેસ્ટને સંપૂર્ણપણે કાર્યરત રાખવા માટે મંજૂરી આપી દીધી છે. 26 અને 27 સપ્ટેમ્બરના વીકેન્ડ બાદ 28 થી 30 સપ્ટેમ્બર સુધી હડતાળ હોવાથી બેંકો સળંગ પાંચ દિવસ બંધ રહે તેવી શક્યતા હતી. આ મુશ્કેલી ટાળવા માટે સરકારે આ વિશેષ વ્યવસ્થા કરી છે.
હડતાળ પાછળના મુખ્ય કારણો:
બેંક યુનિયનો લાંબા સમયથી પાંચ દિવસના બેંકિંગ સપ્તાહની માંગ અને નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન સુધારણા જેવા વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પ્રસ્તાવિત આ હડતાળના કારણે બેંકોનું ભૌતિક કામકાજ પ્રભાવિત થઈ શકે છે.
સરકાર અને બેંક મેનેજમેન્ટે યુનિયનોને હડતાળ મોકૂફ રાખવા અપીલ કરી છે. જો કે, ગ્રાહકોની સુવિધાને પ્રાથમિકતા આપીને નાણા મંત્રાલયે આજે રવિવારે બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે. ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ તકનો લાભ લઈને પોતાના જરૂરી બેંકિંગ કાર્યો સમયસર પૂર્ણ કરી લે.
