મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ, કોંકણ-ગોવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા
Live TV
-
ભારતીય હવામાન વિભાગ (IMD)એ મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 જૂનથી 5 જુલાઈની વચ્ચે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડું, વીજળી પડવી અને તેજ પવન સાથે હવામાન વધુ બગડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કોંકણ અને ગોવા વિસ્તારમાં 29 જૂન, 2 અને 3 જુલાઈના રોજ અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, 30 જૂન, 1 જુલાઈ અને 4 થી 5 જુલાઈ દરમિયાન પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. આ દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.
મધ્ય મહારાષ્ટ્રમાં 2 અને 3 જુલાઈના રોજ ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, 29 જૂનથી 5 જુલાઈની વચ્ચે આ વિસ્તારમાં ધીમીધારે વરસાદ ચાલુ રહી શકે છે.
મરાઠવાડા અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પણ 29 જૂનથી 5 જુલાઈની વચ્ચે છૂટાછવાયા સ્થળોએ વરસાદનો દોર ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તેજ પવન (40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે) ફૂંકાઈ શકે છે.
IMD અનુસાર, મહારાષ્ટ્રના દરિયાકાંઠા પાસે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને સતત વરસાદની સ્થિતિ બની છે. આ કારણોસર આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધુ વધી શકે છે. હવામાન વિભાગે નાગરિકોને સાવધ રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રમાં હવામાન ખરાબ રહેવાની શક્યતા છે.
