રાષ્ટ્રની શક્તિ ટેકનિકલ ક્ષમતાથી વ્યાખ્યાયિત થશે: જિતેન્દ્ર સિંહ
Live TV
-
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્ર સિંહે રવિવારે જણાવ્યું હતું કે, સામૂહિક પ્રયાસોથી ભારત માત્ર વિકસિત રાષ્ટ્ર જ નહીં બને પરંતુ વૈશ્વિક પ્રગતિને પણ નવી દિશા આપશે. આવનારા દાયકાઓમાં કોઈપણ રાષ્ટ્રની શક્તિ તેની ટેકનિકલ ક્ષમતા દ્વારા વ્યાખ્યાયિત થશે.
ડૉ. સિંહે આ વાત લોસ એન્જલસમાં વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત 'અખિલ-આઈઆઈટી ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન'ને સંબોધિત કરતા કહી હતી. આ વૈશ્વિક સંમેલનમાં વિશ્વભરના ટેકનોલોજી નેતાઓ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને સંશોધકો સામેલ થયા હતા.
આ પ્રસંગે ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે, "ભારતે ટેકનિકલ સાર્વભૌમત્વ પ્રાપ્ત કરવા અને વૈશ્વિક સ્તરે પોતાની પ્રગતિને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ ટેકનોલોજીમાં નેતૃત્વ કરવું પડશે."
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની પ્રગતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશ હવે માત્ર ટેકનોલોજીનો ઉપભોક્તા જ નથી રહ્યો પરંતુ એક વૈશ્વિક નવપ્રવર્તક તરીકે ઉભરી રહ્યો છે. વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવાચાર (ઈનોવેશન) આપણો પાયો છે. અવકાશ કાર્યક્રમનો વિસ્તાર, જૈવ ટેકનોલોજીમાં પ્રગતિ અને ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સનો ઉદય ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિના જીવંત પુરાવા છે.
ભારતીય પ્રવાસીઓ, ખાસ કરીને આઈઆઈટી ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનની પ્રશંસા કરતા મંત્રીએ તેમને ભારત અને વૈશ્વિક ઈનોવેશન ઈકોસિસ્ટમ વચ્ચેની મહત્વની કડી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, રોકાણ, માર્ગદર્શન અને નીતિગત ભાગીદારી દ્વારા પ્રવાસી ભારતીયો દેશના વિકાસ પથને સતત મજબૂત કરી રહ્યા છે.
ડૉ. સિંહે સેમી કંડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા), રોબોટિક્સ અને ક્વોન્ટમ ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોને રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક મજબૂતી માટે અનિવાર્ય ગણાવ્યા હતા.
