રાષ્ટ્રીય મતદાતા દિવસ પર, પ્રધાનમંત્રીનો રાષ્ટ્રને પત્ર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને એક ખાસ પત્ર લખ્યો હતો, જેમાં નાગરિકોને લોકશાહીને વધુ સશક્ત, સમાવેશી અને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી હતી.
પ્રધાનમંત્રીએ, પોતાના સંદેશમાં ખાસ કરીને યુવાનોના મતદાતા બનવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને કહ્યું હતું કે, જ્યારે પણ તમારા ઘર કે પડોશમાં કોઈ યુવાન પહેલી વાર મતદાર બને છે, ત્યારે તેમની ઉજવણી કરવી જોઈએ. પરિવારો અને એપાર્ટમેન્ટમાં મીઠાઈઓ વહેંચીને ઉજવણી કરવી જોઈએ. લોકશાહીમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવું જોઈએ, કારણ કે તેમની પાસે દેશનું ભાગ્ય બદલવાની ક્ષમતા છે. પ્રધાનમંત્રીએ મતદાનને માત્ર એક અધિકાર જ નહીં, પરંતુ એક મોટી જવાબદારી ગણાવી હતી. તેમણે કહ્યું કે, આંગળી પરની અમીટ શાહી ભારતના જીવંત લોકશાહીનું પ્રતીક છે.
શૈક્ષણિક સંસ્થાઓને લોકશાહી મૂલ્યોની નર્સરી ગણાવતા, તેમણે નવા મતદાતાઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવા વિનંતી કરી, જેથી તેમને તેમની જવાબદારીનો અહેસાસ થાય. શૈક્ષણિક સંસ્થાઓએ ખાતરી કરવી જોઈએ કે, દરેક લાયક યુવાન મતદાર તરીકે નોંધાયેલ છે. તેમણે યુવાનોના "કંઈક કરવા"ના જુસ્સાની પ્રશંસા કરી અને તેમને "માય ઇન્ડિયા પ્લેટફોર્મ" માં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. આ પેઢી સમયની રાહ જોવાની નહીં, પરંતુ કાર્ય પૂર્ણ કરવાની છે.
ભારતના લોકશાહી ઇતિહાસમાં ગર્વ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ 1951 માં શરૂ થઈ હતી. આ વર્ષે, દેશ આ ચૂંટણીઓના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ભારત માત્ર સૌથી મોટું લોકશાહી જ નહીં પરંતુ લોકશાહીની માતા પણ છે, જ્યાં સંવાદ અને ચર્ચા સદીઓ જૂની સંસ્કૃતિનો ભાગ છે. તેમણે સમાવિષ્ટ લોકશાહીના પાયાને મજબૂત બનાવવા માટે યુવા મહિલાઓની ભાગીદારી આવશ્યક હોવા પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રી મોદીએ, ચૂંટણી વ્યવસ્થાપનની પ્રશંસા કરતા કહ્યું કે, હિમાલયના શિખરોથી લઈને રણ, ગાઢ જંગલો અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી, દરેક ભારતીયની મતદાન પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશ્વ માટે પ્રેરણાદાયક છે. આ ફક્ત વિશ્વનું સૌથી મોટું ચૂંટણી વ્યવસ્થાપન જ નહીં, પણ લોકશાહીનો ભવ્ય ઉજવણી પણ છે. લોકશાહી આદર્શો પ્રત્યે મતદારોની આ પ્રતિબદ્ધતા આવનારા સમય માટે એક મહાન પ્રેરણા રહેશે.
