રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગની સમય મર્યાદા ઘટાડીને 60 દિવસ કરી
Live TV
-
ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે એડવાન્સ રિઝર્વેશનની સમયમર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. મુસાફરો હવે 4 મહિનાને બદલે 2 મહિના અગાઉથી રિઝર્વેશન કરાવી શકશે. જોકે, વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની સમય મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 નવેમ્બરથી, ટિકિટના એડવાન્સ રિઝર્વેશનની સમય મર્યાદા મુસાફરીના દિવસને બાદ કરતાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. રેલવેનો આ નિયમ 1 નવેમ્બરથી લાગુ થશે. જેઓએ અત્યાર સુધી બુકિંગ કરાવ્યું છે, તેમનું રિઝર્વેશન અકબંધ રહેશે. 31 ઓક્ટોબર સુધી, લોકો 120 દિવસમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવી શકે છે, પરંતુ તે પછી નવો નિયમ અમલમાં આવશે.
રેલવેના ડિરેક્ટર પેસેન્જર માર્કેટિંગ-II સંજય મનોચાએ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની સમય મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ટિકિટના એડવાન્સ રિઝર્વેશનની ટૂંકી અવધિ 31 ઓક્ટોબર પહેલા કરાયેલી બુકિંગને અસર કરશે નહીં. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે તાજ એક્સપ્રેસ અને ગોમતી એક્સપ્રેસ જેવી કેટલીક એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં એડવાન્સ રિઝર્વેશન સમય મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, જ્યાં ટૂંકી સમય મર્યાદા પહેલેથી જ અમલમાં છે.
