રેસ્ટોરાં અને ઢાબા માલિકો માટે રાહતના સમાચાર: વ્યવસાયિક LPG ક્વોટામાં 20%નો વધારો
Live TV
-
રેસ્ટોરાં અને ઢાબા માલિકો માટે રાહતના સમાચાર: વ્યવસાયિક LPG ક્વોટામાં 20%નો વધારો
કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાયિક ગેસ વપરાશકારો માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી વ્યવસાયિક એલપીજી (Commercial LPG) ની ફાળવણીમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખાસ કરીને રેસ્ટોરાં, ઢાબા અને નાના ખાદ્ય ઉદ્યોગો ચલાવતા સંચાલકોને મોટી રાહત મળશે.
ક્વોટા 30% થી વધીને 50% થયો
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, અત્યાર સુધી સરકાર રાજ્યોને વ્યવસાયિક વપરાશ માટે 30 ટકા ફાળવણી કરતી હતી. હવે આ મર્યાદામાં સીધો 20 ટકાનો વધારો કરીને કુલ ક્વોટા 50 ટકા કરી દેવામાં આવ્યો છે. આ વધારાના કારણે બજારમાં વ્યવસાયિક ગેસની ઉપલબ્ધતા વધશે અને અછત જેવી સ્થિતિ નિવારી શકાશે.
કોને મળશે પ્રાથમિકતા?
સરકારના જણાવ્યા મુજબ, પીએનજી (PNG) અને એલપીજીના આ વધારાના ક્વોટાનું વિતરણ ચોક્કસ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. જેનાથી રેસ્ટોરાં અને હાઈવે પરના ઢાબા, નાના ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગ એકમો, નાના અન્નક્ષેત્રો અને સેવાકીય રસોડા, સબસિડીવાળી કેન્ટિનના ક્ષેત્રોને સીધો ફાયદો થશે.
મોંઘવારીમાં રાહતની આશા
વ્યવસાયિક ગેસના ક્વોટામાં વધારો થવાથી હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગમાં ઈંધણની પૂર્તિ સરળ બનશે. નિષ્ણાતોનું માનવું છે કે, પુરવઠો વધવાને કારણે સંચાલકોના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે, જેની પરોક્ષ અસર સામાન્ય જનતા પર પડતી મોંઘવારીમાં ઘટાડા સ્વરૂપે જોવા મળી શકે છે. આજથી જ આ નવી વ્યવસ્થા અમલી બની ગઈ છે.
