સમુદ્રી શક્તિનું પ્રતિક: 22,000 નોટિકલ માઈલની યાત્રા દરમિયાન ઓમાન પહોંચ્યું INS સુદર્શિની
Live TV
-
ભારતીય નૌસેનાનું જહાજ INS સુદર્શિની 'લોકાયન-26' અભિયાન હેઠળ 22,000 નોટિકલ માઈલની યાત્રા દરમિયાન ઓમાન પહોંચ્યું છે. આ 10 મહિના લાંબા પ્રવાસનો હેતુ વિશ્વમાં ભારતની દરિયાઈ પરંપરા અને 'વસુધૈવ કુટુંબકમ'નો સંદેશ ફેલાવી વિવિધ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો મજબૂત કરવાનો છે.
ભારતીય નૌસેનાનું સેલ ટ્રેનિંગ શિપ INS સુદર્શિની ઓમાનના સલાલાહ બંદર પર તેનો પ્રથમ પોર્ટ કોલ સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યું છે. INS સુદર્શિની ‘લોકાયન-26’ નામની દસ મહિનાની લાંબી દરિયાઈ સફર પર છે.
ઓમાનની આ મુલાકાત આ સફરનો એક મહત્વનો પડાવ હતો. ભારતીય શિપ હવે અહીંથી આગળ નીકળી ગયું છે. ‘લોકાયન-26’ અભિયાનનો હેતુ વિશ્વભરમાં ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરા અને ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે આખી દુનિયા એક પરિવાર છે, તેવો સંદેશ ફેલાવવાનો છે. ‘સુદર્શિની’ 10 મહિના લાંબી યાત્રા દરમિયાન કુલ 13 દેશોના 18 વિદેશી બંદરોની મુલાકાત લઈ રહ્યું છે. પરંપરાગત પદ્ધતિથી બનેલું આ નૌસેનિક શિપ ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં આયોજિત વિશેષ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ સામેલ થશે.
નૌસેનાનું શિપ ‘સુદર્શિની’ કુલ 22,000 નોટિકલ માઈલથી વધુની દરિયાઈ સફર ખેડી રહ્યું છે. સલાલાહમાં રોકાણ દરમિયાન INS સુદર્શિનીના કમાન્ડિંગ ઓફિસરે ઓમાનની રોયલ નેવીના સધર્ન નેવલ એરિયા કમાન્ડર કેપ્ટન મોહમ્મદ અલ ઘૈલાની અને RNO જહાજ અલ મોઅજરના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન મોહમ્મદ અલ મહારી સાથે મુલાકાત કરી હતી. વાતચીતમાં ભારત અને ઓમાન વચ્ચેના જૂના દરિયાઈ સંબંધો અને બંને નૌસેનાઓની મિત્રતાને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ઓમાનની રોયલ નેવીના અધિકારીઓને જહાજની ગાઈડેડ ટૂર પણ કરાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકો સાથેનું જોડાણ વધારવા માટે INS સુદર્શિનીને સામાન્ય લોકો માટે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. લગભગ 600 થી વધુ લોકોએ આ ત્રણ મસ્તૂલ ધરાવતા ભારતીય જહાજને નજીકથી જોયું હતું. આ લોકોમાં શાળાના બાળકો પણ સામેલ હતા. તેમણે અહીં સમુદ્રમાં નૌકાયનની બારીકાઈઓ વિશે જાણકારી મેળવી હતી. હવે INS સુદર્શિની લોકાયન-26 ની આગામી યાત્રા પર રવાના થઈ ગયું છે. પૂરા જોશ અને ઉત્સાહ સાથે આ જહાજ સમુદ્રમાં ભારતની સદીઓ જૂની નૌકાયન પરંપરા, મિત્રતા અને સદ્ભાવનાનો સંદેશ આગળ વધારી રહ્યું છે.
નોંધનીય છે કે INS સુદર્શિની ભારતીય નૌસેનાનું સેલ-ટ્રેનિંગ દરિયાઈ જહાજ છે. INS સુદર્શિનીની આ યાત્રા લગભગ દસ મહિના સુધી ચાલશે. આ દરમિયાન ભારત વિવિધ દેશો સાથે પોતાના દરિયાઈ સંબંધોની ચર્ચા કરશે. નૌસેનાઓ વચ્ચે મિત્રતા અને સહયોગને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. આ શિપ ‘લોકાયન-26’ નામના ઐતિહાસિક આંતરખંડીય નૌકાયન અભિયાન માટે રવાના થયું છે. આ દસ મહિનાનું એક દીર્ધકાલીન વૈશ્વિક દરિયાઈ અભિયાન છે. આ નૌસેનિક અભિયાન ભારતની સમૃદ્ધ નૌસેનિક પરંપરાને વિશ્વ પટલ પર પ્રદર્શિત કરી રહ્યું છે. આ નૌસેનિક અભિયાન મહાસાગરોની પેલે પાર સહયોગ, વિશ્વાસ અને મિત્રતાના સેતુ નિર્માણનો સંદેશ પણ આપી રહ્યું છે.
