સરકારના સુધારાથી વિશ્વાસ વધ્યો,રોજિંદી જિંદગી બની સરળ: પ્રધાનમંત્રી મોદી
Live TV
-
કેન્દ્ર સરકાર જીવનધોરણને સરળ બનાવવા અને સુધારાઓના માર્ગ પર આગળ વધવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આ વાત કહી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આગામી સમયમાં સુધારાઓને વધુ મજબૂતી સાથે આગળ ધપાવવામાં આવશે.
'MyGovIndia' ના એક્સ (X) હેન્ડલ પર શેર કરવામાં આવેલી એક પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે લાખો લોકોને સશક્ત બનાવવાની દિશામાં સતત કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, "અમારી સરકાર 'ઇઝ ઓફ લિવિંગ' (જીવનની સુગમતા) ને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં અમારું સુધારા અભિયાન વધુ ઉત્સાહ સાથે આગળ વધશે."માયગવઈન્ડિયા હેન્ડલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં જણાવાયું છે કે, સુધારાની અસલી કસોટી એ છે કે તેનાથી લોકોનો તણાવ ઓછો થયો છે કે નહીં. વર્ષ 2025માં શાસન વ્યવસ્થામાં સ્પષ્ટ બદલાવ જોવા મળ્યો છે, જ્યાં સુધારાઓનો ફોકસ જટિલ પ્રક્રિયાઓને બદલે પરિણામો પર રહ્યો છે. સરળ ટેક્સ કાયદા, ઝડપી વિવાદ નિવારણ અને આધુનિક શ્રમ સંહિતાએ નાગરિકો અને વ્યવસાયો બંને માટે મુશ્કેલીઓ ઓછી કરી છે.મધ્યમ વર્ગના પરિવારો માટે કર રાહત હવે વાસ્તવિકતા બની છે. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી, જેનાથી પરિવારો પોતાની કમાણીનો મોટો હિસ્સો બચાવી શકે છે. આનાથી તેમને વધુ આત્મવિશ્વાસ સાથે ખર્ચ કરવા, બચત કરવા અને રોકાણ કરવાની તક મળી રહી છે.
વર્ષ 1961ના જૂના ઇન્કમ ટેક્સ એક્ટના સ્થાને 'આયકર અધિનિયમ, 2025' લાવવામાં આવ્યો છે. આ નવા કાયદાએ પ્રત્યક્ષ કર પ્રણાલીમાં સ્પષ્ટતા, પારદર્શિતા અને નિષ્પક્ષતા લાવી છે, જે કરદાતાઓ માટે વધુ અનુકૂળ અને વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ છે.રોકાણ અને કારોબારની મર્યાદા વધવાને કારણે હવે MSME એકમો સરકારી લાભો ગુમાવવાના ડર વગર વિકાસ કરી શકે છે. લોન અને ટેક્સમાં મળતી છૂટછાટોનો ઉપયોગ કરીને તેઓ પોતાના વ્યવસાયનો વિસ્તાર કરી રહ્યા છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે.
સરકારે 29 જટિલ શ્રમ કાયદાઓને સમાપ્ત કરીને તેને ચાર સ્પષ્ટ શ્રમ સંહિતા (Labor Codes) માં વહેંચી દીધા છે. આમાં વેતન, ઔદ્યોગિક સંબંધો, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. આનાથી કામદારોના અધિકારો સ્પષ્ટ થયા છે અને મહિલાઓને માતૃત્વ લાભ તથા કાર્યસ્થળ પર સુરક્ષાનો ભરોસો મળ્યો છે.GSTમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે વેપાર કરવો સરળ બન્યો છે. સરળ ટેક્સ સ્લેબ અને ઝડપી રિફંડ પ્રક્રિયાની અસર બજારમાં પણ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે દિવાળી પર રેકોર્ડબ્રેક 6.05 લાખ કરોડ રૂપિયાનું વેચાણ થયું અને નવરાત્રીમાં પણ છેલ્લા એક દાયકાની સૌથી મજબૂત ખરીદી નોંધાઈ છે.
