Skip to main content
Settings Settings for Dark

સિલિકોનની દુનિયામાં ભારતનું પદાર્પણ: SEMICON India 2026 અને ચિપ ક્ષેત્રે દેશની સફર

Live TV

X
  • આવતીકાલે નરેન્દ્ર મોદી દિલ્હી નજીક દ્વારકા ખાતે 'યશોભૂમિ'ની મુલાકાત લઈને SEMICON India 2026 નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ પ્રતિષ્ઠિત પ્રસંગે વિશ્વભરની અગ્રણી ચિપ કંપનીઓ, નીતિ નિર્માતાઓ અને રોકાણકારો ઉપસ્થિત રહેશે. આજના સમયમાં સૌની નજર તે ઉદ્યોગ પર છે જેને ભારતે લગભગ શૂન્યમાંથી શિખર પર પહોંચાડ્યો છે.

    આ ત્રિદિવસીય આયોજન માત્ર એક સંમેલન નથી, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતા અને સપનાંઓને પ્રદર્શિત કરવાની એક સુવર્ણ તક છે. લગભગ એક દાયકા અગાઉ ભારતમાં આ ક્ષેત્રની હાજરી નહિવત જેવી હતી, પરંતુ આજે ચિત્ર બદલાયું છે.

    આ વર્ષની ઇવેન્ટની થીમ "સિલિકોનથી સિસ્ટમ્સ સુધી: સમગ્ર ઇકોસિસ્ટમનું નિર્માણ" રાખવામાં આવી છે. આ વાક્ય ભલે નાનું લાગે, પરંતુ તેનો વ્યાપ ખૂબ મોટો છે. હવે સવાલ માત્ર એ નથી કે ભારત ચિપ બનાવી શકે છે કે નહીં, પરંતુ એ છે કે ચિપ નિર્માણ સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમ કેટલી ઝડપથી ઊભી કરી શકાય છે. એટલે કે ફેક્ટરીઓથી લઈને ડિઝાઇન, પેકેજિંગ, ટેસ્ટિંગ, ટૂલ્સ અને સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં ભારત કેટલી ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.

    આખી દુનિયાને ચલાવતી વસ્તુ: 

    તમારા સ્માર્ટફોનને હાથમાં લો; તેની અંદર ટપાલ ટિકિટથી પણ નાનો સિલિકોનનો એક ટુકડો છુપાયેલો છે. તેમાં અબજો ટ્રાન્ઝિસ્ટર હોય છે જે સેકન્ડના અંશમાં અબજો વખત ચાલુ-બંધ થાય છે. ઉદાહરણ તરીકે, એપલની A19 બાયોનિક ચિપ 3-નેનોમીટર ટેકનોલોજી પર બનેલી છે, જેમાં આટલી સૂક્ષ્મ જગ્યા પર અંદાજે ૩૦ અબજ ટ્રાન્ઝિસ્ટર સમાયેલા છે. અતિશયોક્તિ વગર કહીએ તો તે માનવજાતની સૌથી જટિલ કૃતિઓમાંની એક છે.

    આજે ચિપ માત્ર એક સામાન્ય ઉપકરણ નથી રહ્યું, પરંતુ કાર, ડ્રોન, વિમાન, એમઆરઆઈ મશીન અને સેટેલાઇટ સુધી બધે જ તેનો વ્યાપ છે. અંદાજે ૪.૩ ટ્રિલિયન ડૉલરનું કદ ધરાવતા વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનો પાયો આ સેમિકન્ડક્ટર્સ જ છે. કોવિડ મહામારી દરમિયાન દુનિયાએ આનો કડવો અનુભવ કર્યો હતો, જ્યારે સ્ટીલ કે મજૂરોની નહીં પરંતુ માત્ર ચિપ્સના અભાવે મોટી-મોટી કાર ફેક્ટરીઓએ ઉત્પાદન રોકવું પડ્યું હતું. આ કટોકટીએ સમગ્ર વિશ્વને ચિપ નિર્માણની દોડમાં જોડાવા માટે મજબૂર કરી દીધું.

    ભારતની ઐતિહાસિક સફર અને પરિવર્તન

    ભારતમાં સેમિકન્ડક્ટર પ્રત્યેનો ઉત્સાહ નવો નથી, પરંતુ લાંબા સમય સુધી આપણી પાસે પૂરતી ઔદ્યોગિક ઇકોસિસ્ટમ નહોતી. જો કે, સમયની સાથે સરકારે પોતાની રણનીતિ બદલી. વિદેશી રોકાણ, ટેક્સ અને કસ્ટમ ડ્યુટીમાં સુધારા કરીને વેપારને સરળ બનાવવામાં આવ્યો, જેના સકારાત્મક પરિણામો આજે સામે છે.

    • ઉત્પાદનમાં ઉછાળો: નાણાકીય વર્ષ2014-15માં જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન આશરે ₹1.9 લાખ કરોડ હતું, તે ૨૦૨૫-૨૬માં સાત ગણું વધીને આશરે ₹13.11 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.

    • નિકાસમાં ઉછાળો: ઇલેક્ટ્રોનિક્સની નિકાસ ₹38000 કરોડથી વધીને અંદાજે ₹4.24 લાખ કરોડ (લગભગ 11 ગણો વધારો) થઈ છે.

    • મોબાઇલ મેન્યુફેક્ચરિંગ: મોબાઇલ ફોનનું ઉત્પાદન ₹18000 કરોડથી વધીને ₹6.27 લાખ કરોડ (૩૩ ગણો વધારો) અને નિકાસ ₹1500 કરોડથી વધીને ₹2.29 લાખ કરોડ (165 ગણો વધારો) થઈ ગઈ છે.

    એક સમય એવો હતો જ્યારે સ્માર્ટફોન ભારતની ટોચની 100 નિકાસ વસ્તુઓમાં પણ સામેલ નહોતા, અને આજે નાણાકીય વર્ષ 2025-26 માં તે ભારતનું સૌથી મોટું નિકાસ ઉત્પાદન બની ગયું છે, જેણે પેટ્રોલિયમ અને ઝવેરાતને પણ પાછળ છોડી દીધા છે. ભારતમાં વપરાતા 99.2 ટકા ફોન હવે સ્થાનિક સ્તરે બને છે. આ ઇન્ડસ્ટ્રી આજે અંદાજે 25 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.

    મિશનને સાકાર કરવાની સફર: 'સેમિકોન ઇન્ડિયા'થી ગ્લોબલ પાર્ટનરશિપ સુધી

    આ દિશામાં સૌથી મોટું સીમાચિહ્ન વર્ષ 2021માં 'સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ'ની શરૂઆત સાથે આવ્યું. આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર દેખાડા માટે કોઈ એક ચિપ ફેક્ટરી નાખવાનો ન હતો, પરંતુ એક સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવાનો હતો.

    • સેમિકોન 1.0 અને 2.0 : પ્રથમ ચરણમાં ₹76,000 કરોડની જોગવાઈ કરાઈ હતી, જેમાં ડિઝાઇન, ઉત્પાદન, પેકેજિંગ, પરીક્ષણ, મશીનરી અને કાચા માલથી લઈને કુશળ શ્રમિકો સુધીની સમગ્ર શૃંખલા સામેલ હતી. ત્યારબાદ જુલાઈ 2026માં સરકારે ₹1.27 લાખ કરોડના જંગી ભંડોળ સાથે 'સેમિકોન 2.0' ને મંજૂરી આપી, જે છ મુખ્ય સ્તંભો (ડિઝાઇન, મશીનરી-સામગ્રી, ફેબ્રિકેશન પ્લાન્ટ્સ, એડવાન્સ્ડ પેકેજિંગ, આરએન્ડડી અને ટેલેન્ટ ડેવલપમેન્ટ) પર કેન્દ્રિત છે.

    • ભારતની નીતિઓ હવે માત્ર કાગળ પૂરતી મર્યાદિત નથી​ : આ પ્રયાસોના ભાગરૂપે દેશના 6 રાજ્યોમાં ₹1.64 લાખ કરોડથી વધુના રોકાણ સાથે 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ચૂકી છે. આમાંથી 3 પ્લાન્ટમાં વ્યાપારી ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે, જે દર્શાવે છે કે ભારતની નીતિઓ હવે માત્ર કાગળ પર નહીં પરંતુ જમીની હકીકત બની ચૂકી છે. 

      દેશભરમાં ચિપ ડિઝાઇન અને ટેલેન્ટ પુલનું નિર્માણ

      કોઈપણ ચિપ ફેક્ટરી તેની ડિઝાઇન તૈયાર કરતા ઇજનેરો જેટલી જ સક્ષમ હોય છે. આથી, સરકારે આ દાયકામાં ૮૫,૦૦૦ કુશળ સેમિકન્ડક્ટર એન્જિનિયરો તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

    • 'ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ્સ' (C2S) અને DLI યોજના: ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન (EDA) સોફ્ટવેર ૩૨૦ શૈક્ષણિક સંસ્થાઓને ઉપલબ્ધ કરાવાયા છે, જેનાથી 68000 થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ મળી છે. અત્યાર સુધીમાં 105 સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઇને સહાય અપાઈ છે.

    • ટેપ-આઉટ સિદ્ધિ: એપ્રિલ 2026 સુધીમાં 75 સંસ્થાઓ દ્વારા 211 ચિપ ડિઝાઇન વિકસાવીને તેને 'ટેપ-આઉટ' (ઉત્પાદન પૂર્વનો તબક્કો) સુધી પહોંચાડવામાં આવી છે, જેમાંથી સાત ચિપ્સ (૧૨ નેનોમીટર સુધીની ટેકનોલોજી સહિત) સફળતાપૂર્વક બની ચૂકી છે.

      નવા યુગમાં વૈશ્વિક ભાગીદારી

      ભારતના સેમિકન્ડક્ટર પ્રયાસો હવે માત્ર સ્થાનિક બજાર પૂરતા સીમિત નથી રહ્યા. 2026 ઇન્ડિયા આઈ ઇમ્પેક્ટ સમિટ ના પાંચમા દિવસે દેશે સત્તાવાર રીતે 'પેક્સ સિલિકા' (Pax Silica) જોડાણ માં પ્રવેશ કર્યો છે. અમેરિકા અને અન્ય સહયોગી દેશોની ભાગીદારી ધરાવતા આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સિલિકોન અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવાનો છે. આવશ્યક ખનિજોથી લઈને આધુનિક AI સિસ્ટમ્સ સુધીની આ શૃંખલા પર કોઈ એક દેશ કે કંપનીનું એકાધિકાર ન રહે અને કોઈ તેનો આર્થિક દબાણ માટે ઉપયોગ ન કરી શકે તે સુનિશ્ચિત કરવું આનો હેતુ છે. પેક્સ સિલિકામાં જોડાવાથી સાબિત થાય છે કે ભારત હવે માત્ર પોતાની જરૂરિયાતો નથી સંતોષતું, પરંતુ વૈશ્વિક ટેક્નોલોજી અને સપ્લાય ચેઇનને પણ પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

      SEMICON India 2026

      આ જ કારણ છે કે SEMICON India 2026 એ માત્ર એક પ્રદર્શન કરતાં ઘણું વધારે છે. યશોભૂમિમાં ત્રણ દિવસ સુધી ચાલનારા આ આયોજનમાં 600થી વધુ પ્રદર્શકો અને 300 આંતરરાષ્ટ્રીય કંપનીઓ આશરે 15000 ચોરસ મીટર વિસ્તારમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવશે. 150થી વધુ નામાંકિત વક્તાઓ પોતાના અનુભવો અને જ્ઞાનનું આદાનપ્રદાન કરશે. અહીં છ દેશોના પેવેલિયન અને 12 રાજ્યોના પેવેલિયન પણ જોવા મળશે. આ ઉપરાંત તેમાં સ્ટાર્ટઅપ શોકેસ, વિદ્યાર્થીઓ માટે હેકાથોન, કર્મચારીઓ અને ટેક્નોલોજીકલ પ્રતિભાના વિકાસ સાથે જોડાયેલું પેવેલિયન તેમજ મહિલા ફોરમ પણ સામેલ હશે.

      આ પ્રત્યેક હિસ્સો તે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની ઝાંખી કરાવશે, જેને ભારતે છેલ્લા 5 વર્ષમાં તૈયાર કરવા માટે પ્રયાસો કર્યા છે.એક ચિપને ડિઝાઇન કરવામાં વર્ષો લાગી શકે છે અને તેને બનાવવામાં અનેક મહિનાઓ. પરંતુ તેની અસર તેના કરતા પણ ઘણા લાંબા સમય સુધી રહે છે. તમારા દરેક ફોન, દરેક કાર અને હોસ્પિટલના દરેક આધુનિક ઉપકરણની અંદર આવી ચિપ કાર્યરત હોય છે. SEMICON India 2026 એ ભારતની એ જાહેરાતનું પ્રતીક છે કે હવે દેશ વૈશ્વિક સ્તરે આ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. કોઈ ભવિષ્યની રાહ જોયા વગર, આ પરિવર્તનની શરૂઆત હવે આ ક્ષણથી જ થઈ ચૂકી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
apply