સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા આપી મંજૂરી
Live TV
-
યશવંત વર્મા હાલ તેમના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવતાં વિવાદોમાં છે.
સુપ્રીમ કોર્ટ કૉલેજિયમની બેઠકમાં દિલ્હી હાઇકોર્ટના વિવાદિત જજ યશવંત વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર મામલે સહમતિ દર્શાવવામાં આવી છે. યશવંત વર્મા હાલ તેમના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવતાં વિવાદોમાં છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જાહેર નોટિફિકેશન અનુસાર, જસ્ટિસ વર્માની બદલીનો નિર્ણય કૉલેજિયમની પાછલી બેઠકમાં જ લેવાયો હતો. આ નિર્ણય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આગામી એક-બે દિવસમાં સરકાર આ મામલે અંતિમ નિર્ણય લેશે. જો કે, અલ્લાહાબાદ હાઇકોર્ટ બાર ઍસોસિએશને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે.
દિલ્હી હાઇકોર્ટે ઘરમાંથી મળી આવેલી બેનામી રોકડના ઘટસ્ફોટ બાદ જસ્ટિસ વર્માને ન્યાયિક કામગીરીમાંથી દૂર કરાયા હતા. જો કે, સુપ્રીમ કોર્ટ કૉલેજિયમની બેઠકમાં તેમની બદલીનો નિર્ણય લેવાઈ ચૂક્યો હોવાથી તેમને વિવાદો વચ્ચે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. બીજી તરફ અલ્લાહાબાદ હાઇકોર્ટ બાર ઍસોસિએશને દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા પર મૂકાયેલા ગંભીર આરોપોના સંદર્ભમાં મહાભિયોગની માગ કરી હતી. મહાભિયોગ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા કાયદાકીય સંસ્થા અથવા અન્ય કાયદેસર રીતે રચાયેલ ટ્રિબ્યુનલના જાહેર અધિકારી સામે ગેરવર્તણૂક અને આરોપો વિરુદ્ધ તપાસ અને કાર્યવાહી હાથ ધરાય છે. રાજકીય અને કાનૂની બંને ઘટકોને સમાવિષ્ટ કરતી તપાસ પ્રક્રિયા છે.
