‘નશામુક્ત ભારત અભિયાન’ની પાંચમી વર્ષગાંઠ: ગુજરાતમાં 35 લાખથી વધુ નાગરિકો સહભાગી
Live TV
-
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા તા.15 ઓગસ્ટ 2020માં દેશમાં ‘નશામુક્ત ભારત અભિયાન-NMBA’ શરૂ કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં અંદાજિત કુલ 8 હજારથી વધુ રેલીઓ, સાઈન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 35 લાખથી વધુ નાગરિકોએ સહભાગી બનીને આ અભિયાનને બહોળો સહયોગ-પ્રતિસાદ મળ્યો છે.
રાજ્યમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત તા.15 ઓગસ્ટ 2020માં દેશના 272 જિલ્લાઓમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહેસાણા, સુરત, રાજકોટ, જામનગર અને પોરબંદર મળીને કુલ આઠ જિલ્લાઓ, તા.15 ઓગસ્ટ 2022માં બનાસકાંઠા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, વલસાડ, ગાંધીનગર તથા તા.15 ઓગસ્ટ 2024થી દેશના બાકી તમામ જિલ્લાઓમાં નશામુક્ત ભારત અભિયાન (NMBA) ચાલી રહ્યું છે.
‘નશામુક્ત ભારત અભિયાન’નો મુખ્ય હેતુ નશીલા પદાર્થોના દુરુપયોગના નુક્શાન અંગે જન જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ સામાજિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે વિવિધ વિભાગોની સ્થાનિક કચેરીઓના સંકલનમાં રહીને સમાજમાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોના દુરુપયોગની સાથે તેની આડઅસરો અંગે જાગૃતિ લાવવામાં આવે છે. આ આભિયાન થકી સ્કૂલ, કોલેજ, રહેણાંક સંસ્થાઓ તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રેલીઓ, સાઈન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ, નશામુક્તિ અંગેના શપથ ગ્રહણ કાર્યક્રમો, સંબંધિત પ્રચાર-પ્રસાર સામગ્રીનું વિતરણ, ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓના માધ્યમથી નાગરિકોમાં જાગૃતિ લાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી છે. સામાન્ય નાગરિકોને આ અભિયાન સાથે જોડવા અને તેનો સંદેશ દેશભરના નાગરિકો સુધી પહોંચાડવાના હેતુસર આ મંત્રાલય દ્વારા https://nmba.dosje.gov.in/content/take-a-pledge વેબસાઇટના માધ્યમથી નશામુક્તિના શપથ લઇ શકશે તેમ સમાજ સુરક્ષા નિયામક – ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
