EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 26મી તારીખે પૂછપરછ માટે બોલાવ્યા
Live TV
-
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-EDએ એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નવેસરથી સમન્સ જારી કર્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એજન્સીએ તેમને પૂછપરછ માટે આ મહિનાની 26મી તારીખે હાજર થવા માટે કહ્યું છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ કેજરીવાલને EDનું આ સાતમું સમન્સ છે. તેમણે છ સમન્સને ગેરકાયદેસર ગણાવીને અવગણ્યા છે. આ મામલામાં સમન્સનો અનાદર કરવા બદલ EDએ તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ નવી ફરિયાદ દાખલ કરી હતી.અગાઉ 19 ફેબ્રુઆરીના રોજ EDએ દિલ્હીના મુખ્યમંત્રી છઠ્ઠું સમન્સ મોકલ્યું હતું. તેમણે છઠ્ઠું સમન્સ છોડ્યા પછી, આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું હતું કે પાર્ટીએ તમામ સમન્સનો જવાબ આપ્યો હતો અને તપાસ એજન્સીએ કેસ પર કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈતી હતી. પાર્ટીએ વારંવાર ED દ્વારા સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે. આ પહેલા, કેજરીવાલે 2023માં 2 નવેમ્બર અને 21 ડિસેમ્બર અને આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીના ED સમન્સ છોડ્યા હતા.
શનિવારે, દિલ્હીની એક અદાલતે કેજરીવાલને તેના સમન્સનું પાલન ન કરવા બદલ ED દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના સંબંધમાં એક દિવસ માટે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી હતી. AAP નેતા વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા અને દિવસ માટે શારીરિક હાજરીમાંથી મુક્તિ માટે વિનંતી કર્યા પછી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ કેજરીવાલને રાહત આપી. સીએમ તરફથી હાજર થતાં વરિષ્ઠ એડવોકેટ રમેશ ગુપ્તાએ કોર્ટને કહ્યું કે તેઓ સુનાવણીની આગામી તારીખે રૂબરૂમાં કોર્ટમાં હાજર થશે. કોર્ટે આ મામલાની સુનાવણી 16 માર્ચ સુધી મુલતવી રાખી છે.
