PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી, સસ્તી શિક્ષણ લોન પર કેન્દ્ર સરકારનું મોટું પગલું
Live TV
-
PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવામાં નાણાકીય અવરોધો દૂર કરવાનો છે.
આ પહેલ હેઠળ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ કોઈપણ ગેરેંટર (કોલેટરલ) વિના લોન મેળવી શકશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માહિતી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. 8 લાખની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે 3 ટકા વ્યાજમાં છૂટ, PM-વિદ્યાલક્ષ્મી પોર્ટલ દ્વારા અરજી કરી શકશે
PM વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દર વર્ષે લગભગ 1 લાખ વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે એજ્યુકેશન લોન મેળવી શકશે. જે વિદ્યાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ રૂપિયા સુધી છે તેમને 10 લાખ રૂપિયા સુધીની લોન પર ત્રણ ટકા વ્યાજ સબસિડી મળશે. આ સિવાય જે વિદ્યાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 4.5 લાખ સુધી છે તેમને પહેલાની જેમ વ્યાજમુક્ત ગ્રાન્ટ મળતી રહેશે. સરકાર એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે કે કોઈ પણ લાયક વિદ્યાર્થી નાણાકીય સમસ્યાઓના કારણે શિક્ષણથી વંચિત ન રહે. પ્રક્રિયાને સરળ બનાવવા માટે, લોન અરજી, મંજૂરી અને વિતરણ PM-વિદ્યાલક્ષ્મી પોર્ટલ દ્વારા કરવામાં આવશે.
દર વર્ષે, ઉચ્ચ શિક્ષણ વિભાગ આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી ઉચ્ચ ગુણવત્તાવાળી સંસ્થાઓની યાદી તૈયાર કરશે. આ યાદીમાં નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF)ની વિવિધ શ્રેણીઓમાં ટોચની 100 સંસ્થાઓ અને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોની ટોચની 200 સંસ્થાઓનો સમાવેશ થશે. આ સિવાય ભારત સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 7.5 લાખ રૂપિયા સુધીની લોન પર 75% ક્રેડિટ ગેરંટી આપશે. આ ધિરાણકર્તાઓ માટે સુરક્ષામાં વધારો કરશે અને વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે નાણાકીય સહાય મેળવવાનું સરળ બનાવશે.
