SSC દ્વારા MTS પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં આયોજનને મંજૂરી
Live TV
-
હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, 13 પ્રાદેશિક ભાષાઓમાં પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.
કેન્દ્રીય કર્મચારી અને તાલીમ વિભાગે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં સ્ટાફ સિલેક્શન કમિશન MTS પરીક્ષાના આયોજનને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, સ્થાનિક યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને પ્રાદેશિક ભાષાઓને જાળવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ કાર્યવાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને અનુરૂપ છે. જેથી દરેકને નોકરી માટે અરજી કરવાની સમાન તક મળે અને ભાષાના અવરોધના કારણે કોઈને મતાધિકારથી વંચિત ન કરવામાં આવે અથવા તેને ગેરલાભ ન થાય. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, 13 પ્રાદેશિક ભાષાઓમાં પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે. આ ભાષાઓમાં ગુજરાતી ઉપરાંત આસામી, બંગાળી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા, ઉર્દુ, પંજાબી, મણિપુરી અને કોંકણી છે. આ નિર્ણયના પરિણામે લાખો ઉમેદવારો તેમની માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપી શકશે અને તેમની પસંદગીની સંભાવનાઓમાં સુધારો થશે. અંગ્રેજી અને હિન્દી સિવાય અન્ય ભાષાઓમાં પરીક્ષાઓ યોજવા માટે વિવિધ રાજ્યોમાંથી સતત માંગણીઓ કરવામાં આવી હતી. સરકારે અન્ય બાબતોની સાથે આ પાસાને પણ તપાસવા માટે નિષ્ણાંત સમિતિની નિમણુંક કરી છે. આ પરીક્ષા બીજી મેથી લેવામાં આવશે.
