તાજપરના હંસાબેનના ગોદડા પહોંચ્યા સાત સમુંદર પાર, 55 વર્ષની મહિલાએ હુન્નરથી ઊભું કર્યું અનોખું સામ્રાજ્ય
Live TV
-
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અંતરિયાળ ગામ તાજપરની 55 વર્ષીય રાઠોડ હંસાબેન દાનસંગભાઈએ પોતાની મહેનત, કળા અને આત્મવિશ્વાસથી એક અનોખી ઓળખ ઊભી કરી છે. માત્ર ધોરણ-2 સુધી અભ્યાસ કરનાર હંસાબેને પરંપરાગત રીતે બનતા ગોદડાને રોજગારનું સાધન બનાવ્યું છે. આજે તેમના હાથથી તૈયાર થતા ગોદડાની માંગ માત્ર ગુજરાત કે ભારત પૂરતી સીમિત નથી રહી, પરંતુ વિદેશોમાં પણ પહોંચી છે.
હંસાબેન પાસે 25 વીઘા જેટલી ખેતીની જમીન છે. ખેતીની સાથે તેમણે આશરે છ મહિના પહેલા ગોદડા બનાવવાનું કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં નાનકડા પાયે શરૂ થયેલી આ કામગીરી આજે ઝડપથી આગળ વધી રહી છે. હંસાબેનનું પહેલું ગોદડું સુરતમાં વેચાયું હતું. ત્યારબાદ ગોદડાની ગુણવત્તા અને હાથની કારીગરીને કારણે ધીમે ધીમે ગ્રાહકો વધતા ગયા અને આજે તેમના ગોદડા ભારતના વિવિધ વિસ્તારો ઉપરાંત વિદેશોમાં પણ વેચાઈ રહ્યા છે.
હંસાબેનના બનાવેલા ગોદડા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન, દુબઈ અને આફ્રિકા સહિતના વિદેશી સ્થળોએ પહોંચ્યા છે. અત્યાર સુધીમાં તેમના દ્વારા 600થી વધુ ગોદડાનું વિદેશમાં વેચાણ કરવામાં આવ્યું હોવાનું જણાવાય છે. તાજપર જેવા અંતરિયાળ ગામમાં તૈયાર થતી આ વસ્તુ જ્યારે સાત સમુંદર પાર પહોંચે છે, ત્યારે તે ગામની મહિલાની મહેનતની સાથે સ્થાનિક કારીગરી માટે પણ ગૌરવની વાત બની છે.
ગોદડા બનાવવાની કામગીરીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. હંસાબેન દ્વારા ગામમાં આશરે 20થી 25 લોકોને રોજગાર આપવામાં આવે છે. એટલે કે એક મહિલાએ શરૂ કરેલો નાનો વ્યવસાય આજે અનેક પરિવારો માટે આવકનું સાધન બની રહ્યો છે.
હંસાબેનના જણાવ્યા મુજબ દરરોજ આશરે 15 જેટલા ગોદડાનું વેચાણ થાય છે. મહિનામાં અંદાજે 400થી 600 ગોદડાનું વેચાણ થાય છે. ગુજરાતમાં એક ગોદડાની કિંમત આશરે રૂ. 1,800 છે, જ્યારે ગુજરાત બહાર ભારતના અન્ય રાજ્યોમાં તેની કિંમત આશરે રૂ. 2,200 સુધી રહે છે. વિદેશમાં ગોદડાની કિંમત રૂ. 1,800 રાખવામાં આવે છે, જ્યારે કુરિયરનો ખર્ચ અલગથી આશરે રૂ. 7,000 જેટલો થાય છે.
એક ગોદડું તૈયાર કરવા માટે આશરે 5 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. કાપડની કિંમત તેની ગુણવત્તા પ્રમાણે પ્રતિ મીટર રૂ. 55થી રૂ. 140 સુધી હોય છે. ગોદડામાં સૂતી કોટન રૂ અને પોલ રૂનો ઉપયોગ કરવામાં આવે છે. રૂની કિંમત આશરે પ્રતિ કિલો રૂ. 150થી રૂ. 200 સુધી હોય છે અને એક ગોદડામાં અંદાજે 1.5 કિલો રૂ ભરવામાં આવે છે.
ગોદડાને મજબૂત અને આકર્ષક બનાવવા માટે દોરા અને સિવણ દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. એક ગોદડા પાછળ આશરે રૂ. 300 મજૂરી પણ ચૂકવવામાં આવે છે. ગોદડાની ડિઝાઇન, કાપડની પસંદગી, રૂ ભરવાની પ્રક્રિયા અને સિવણ સહિતનું કામ મહેનત અને કારીગરી માગે છે.
હંસાબેનની આ સફળતા માત્ર વેપારની કહાની નથી, પરંતુ ગામડાની મહિલાની મહેનત અને આત્મનિર્ભરતાની પ્રેરણાદાયી કહાની છે. ધોરણ-2 સુધીનો અભ્યાસ હોવા છતાં તેમણે પોતાની આવડતને ઓળખી અને તેને વ્યવસાયમાં પરિવર્તિત કરી. છ મહિનામાં શરૂ થયેલું કામ આજે દેશની સરહદો પાર કરી ચૂક્યું છે.
તાજપરના ઘરમાં બનતું ગોદડું હવે સાત સમુંદર પારના ઘરોમાં પહોંચે છે અને હંસાબેનની આ સફર સાબિત કરે છે કે, હુન્નર અને મહેનત હોય તો અંતરિયાળ ગામમાંથી પણ દુનિયા સુધી પહોંચી શકાય છે.
