ભાવનગર: જવાહર મેદાન ખાતે ‘સ્વાદ અને આનંદમેળા’નો ભવ્ય પ્રારંભ
Live TV
-
ભાવનગર: જવાહર મેદાન ખાતે ‘સ્વાદ અને આનંદમેળા’નો ભવ્ય પ્રારંભ, આત્મનિર્ભરતાના સંગાથે સ્વાદની જ્યાફત
શહેરના ઐતિહાસિક જવાહર મેદાન ખાતે 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને વેગ આપવા માટે બે દિવસીય ‘સ્વાદ અને આનંદમેળા’નો રંગેચંગે પ્રારંભ થયો છે. સ્થાનિક કલા અને સ્વાદને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ મેળામાં પ્રથમ દિવસે જ ભાવનગરવાસીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ
મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગરના મેયર, શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભવોએ દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂક્યો હતો અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપતા આ પ્રયાસને બિરદાવ્યો હતો.
મેળાની મુખ્ય વિશેષતાઓ
આ મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ભાગ લેનારા તમામ સ્ટોલ ધારકોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જેથી નાના વેપારીઓ અને સ્થાનિક લોકો પોતાની કુશળતાનું પ્રદર્શન કરી શકે. મેળામાં ભાવનગરની શાન ગણાતા બટેટા ભૂંગળા, પાઉં ગાંઠિયા અને ગરમાગરમ જલેબીના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શિયાળાની સ્પેશિયલ આઈટમ ગણાતો અડદિયો, ગરમાગરમ ગાંઠિયા અને વિવિધ પ્રકારની વેફરની જયાફત લોકો માણી રહ્યા છે. ફાસ્ટ ફૂડની સાથે સાથે શુદ્ધ દેશી ભોજનના સ્ટોલ્સ પર પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવનગરવાસીઓએ આ આયોજનને આવકાર્યું છે. સ્થાનિકોના મતે, એક જ સ્થળે ભાવનગરની તમામ પ્રખ્યાત વાનગીઓનો લ્હાવો મળવો એ સ્વાદપ્રેમીઓ માટે દિવાળી જેવો માહોલ સર્જે છે. બે દિવસ સુધી ચાલનારા આ મેળામાં આગામી દિવસે વધુ ભીડ ઉમટવાની શક્યતા છે.
