'મને શાંત કરવામાં આવ્યો છે, હાર્યો નથી', રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ
Live TV
-
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી પર ગંભીર આરોપો લગાવતા રાજકીય ખળભળાટ મચાવ્યો છે. ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા બાદ તેમણે જણાવ્યું કે તેમને સંસદમાં જનતાના મુદ્દા ઉઠાવતા રોકવામાં આવી રહ્યા છે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 'ખામોશ કરાયા છે, હાર્યા નથી' અને સામાન્ય માણસની લડત ચાલુ રાખશે.
આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની જ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલી ગંભીર આક્ષેપો કરતા રાજકીય ગરમાવો લાવી દીધો છે. તાજેતરમાં જ પાર્ટી દ્વારા તેમને રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવવામાં આવ્યા બાદ આ નિવેદન અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે. પંજાબથી રાજ્યસભા સાંસદ તરીકે 2022 થી 2028 સુધીનો કાર્યકાળ ધરાવતા ચઢ્ઢાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમને જનતાના મુદ્દા ઉઠાવતા રોકવામાં આવી રહ્યા છે.
રાઘવ ચઢ્ઢાએ પોતાના સંદેશમાં મક્કમતાથી જણાવ્યું હતું કે, “મને ખામોશ કરવામાં આવ્યો છે, હું હાર્યો નથી.” તેમણે આરોપ લગાવ્યો કે તેમની અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેઓ સામાન્ય માણસના પ્રશ્નો માટે પોતાની લડત ચાલુ રાખશે. એક વીડિયો સંદેશ દ્વારા તેમણે વિગતે જણાવ્યું કે તેમણે હંમેશા એરપોર્ટ પર મોંઘા ખોરાકનો મુદ્દો હોય કે સ્વિગી અને ઝોમેટો જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના કર્મચારીઓની સમસ્યાઓ – આ તમામ વિષયોને સંસદમાં મજબૂતીથી ઉઠાવ્યા છે. આ ઉપરાંત બેંકિંગ સેક્ટરની મુશ્કેલીઓ અને ટોલ પ્લાઝા પર સામાન્ય જનતાને પડતી હાલાકીઓ અંગે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો.
ચઢ્ઢાનો સૌથી ગંભીર આરોપ એ છે કે હવે તેમની પોતાની જ પાર્ટી તેમને આ મુદ્દાઓ ઉઠાવતા રોકી રહી છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આમ આદમીના નામે રાજનીતિ કરતી પાર્ટી શા માટે જનતાનો અવાજ દબાવવા માંગે છે? તેમણે એવો પણ દાવો કર્યો છે કે પાર્ટી તરફથી સંસદમાં સૂચના આપવામાં આવી છે કે તેમને સવાલ ઉઠાવવાની તક ન આપવી અને બોલતા અટકાવવા. આ ઘટનાક્રમ આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને મતભેદો તરફ ઈશારો કરી રહ્યો છે, જોકે આ મામલે હજુ સુધી પાર્ટી નેતૃત્વ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
