Skip to main content
Settings Settings for Dark

માતાની મક્કમતા, પુત્રની મહેનત અને સરકારનો સાથ : વિદેશ અભ્યાસનું સપનું થયું સાકાર

Live TV

X
  • પિતાના અકાળે અવસાન બાદ તૂટી પડ્યા હતા સપના: ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોને રાજપીપળાના યુવાનની કેનેડામાં બનાવી કારકિર્દી

    જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે જ્યાં બધા રસ્તા બંધ થઈ ગયા હોય તેવું લાગે છે, પરંતુ મક્કમ મનોબળ, સંતાનની અવિરત મહેનત અને સરકારની સમયસર મળતી સહાય અશક્ય લાગતા સ્વપ્નને પણ સાકાર કરી શકે છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં રહેતા એક મધ્યમવર્ગીય પરિવારની સંઘર્ષ અને સફળતાની આ ગાથા તેનો જીવંત પુરાવો છે.

    ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના વિદ્યાર્થીઓ માટેની વિદેશ અભ્યાસ લોન યોજના આ પરિવાર માટે આશાના કિરણ સમાન સાબિત થઈ છે. સરકાર તરફથી મળેલી રૂપિયા ૧૫ લાખની શિક્ષણ લોનના આધારે રાજપીપળાના યુવાન ઋતાંશુ રાકેશકુમાર પંચાલ આજે કેનેડામાં પોતાની પ્રતિભાના બળે સફળ કારકિર્દી બનાવી રહ્યા છે.

    પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાએ ઝીલી જવાબદારી

    વર્ષ 2019માં એક માર્ગ અકસ્માતમાં પરિવારના મુખ્ય આધારસ્તંભ એવા પિતા રાકેશકુમારનું અકાળે અવસાન થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. માતા પ્રીતલબેન પંચાલ સામે એક તરફ પતિને ગુમાવ્યાનું દુઃખ હતું તો બીજી તરફ બે પુત્રોના ભવિષ્યની મોટી જવાબદારી હતી. આવા કપરા સમયમાં પણ તેમણે હિંમત હારી નહીં. સ્વર્ગસ્થ પતિની એક જ ઈચ્છા હતી કે મોટો પુત્ર ઋતાંશુ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને જીવનમાં મોટી સિદ્ધિ હાંસલ કરે, અને માતાએ આ સપનાને જ પોતાની જિંદગીનું લક્ષ્ય બનાવી લીધું.

    અભ્યાસમાં હંમેશા તેજસ્વી રહ્યા છે ઋતાંશુ

    ઋતાંશુ બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર રહ્યા છે. વર્ષ 2018માં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષામાં સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને તેમણે પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ત્યારબાદ તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), વડોદરામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ઈ.ની ડિગ્રી ચારેય વર્ષ ડિસ્ટિંક્શન સાથે ઉત્તીર્ણ કરી હતી.

    સરકારી યોજના બન્યા વરદાનરૂપ

    વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે પસંદગી તો થઈ ગઈ, પરંતુ લાખો રૂપિયાનો ખર્ચ પરિવાર માટે મોટો આર્થિક પડકાર હતો. અનેક ખાનગી બેંકોનો સંપર્ક કરવા છતાં પૂરતી આર્થિક સક્ષમતા અને ગેરંટીના અભાવે યોગ્ય સહાય મળી શકી નહીં. આવા સંજોગોમાં તેમને ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના વિશે માહિતી મળી.

    જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકસતી જાતિ, નર્મદાની કચેરીનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરતા, ગુજરાત સરકાર દ્વારા માત્ર ૪ ટકાના નજીવા વ્યાજ દરે રૂપિયા 15 લાખની શિક્ષણ લોન મંજૂર કરવામાં આવી.

    કેનેડામાં મિકેનિકલ એન્જિનિયર તરીકે સફળ કારકિર્દી

    આર્થિક સહાય મળતાં જ ઋતાંશુએ કેનેડાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ વિન્ડસરમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સનો અભ્યાસ શરૂ કર્યો અને ઉત્કૃષ્ટ પરિણામ સાથે પૂર્ણ કર્યો. આજે તેઓ કેનેડામાં કોર્પોરેટ ક્ષેત્રમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે.

    ઋતાંશુ જણાવે છે કે, "ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાથી મને ₹15 લાખની સહાય મળી અને માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કરવાનું સ્વપ્ન સાકાર થયું. હું સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું."

    માતા પ્રીતલબેન કહે છે કે, "પતિના અવસાન પછીના પડકારો વચ્ચે આ યોજના અમારા માટે આશીર્વાદરૂપ બની છે. જો આ લોન ન મળી હોત તો પતિનું સ્વપ્ન પૂરું કરવું શક્ય નહોતું."

    નાનો પુત્ર પણ મેળવી રહ્યો છે ઉચ્ચ શિક્ષણ

    મોટા પુત્રની સફળતા બાદ હવે નાનો પુત્ર ઓમ પંચાલ પણ વડોદરાની જી.એસ.એફ.સી. (GSFC) યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે. પ્રીતલબેન અન્ય વાલીઓને પણ અપીલ કરે છે કે આર્થિક મુશ્કેલીઓને કારણે સંતાનોના સપના અધૂરા ન છોડવા, પરંતુ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ.

    આ ગાથા સાબિત કરે છે કે માતાની મક્કમતા, સંતાનની લગન અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સમન્વય થાય ત્યારે સંજોગો નહીં, પરંતુ સંકલ્પ જ ભવિષ્ય નક્કી કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
apply