Skip to main content
Settings Settings for Dark

સિદ્ધપુરમાં ડોશી નોમે 10 હજારથી વધુ પરિવારોએ માતૃતર્પણ કર્યું

Live TV

X
  • માતૃતર્પણ માટે વિશ્વપ્રસિદ્ધ સિદ્ધપુરના પવિત્ર બિંદુ સરોવર ખાતે રવિવારે ભાદરવા વદ નોમ નિમિત્તે શ્રદ્ધાળુઓનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યો તેમજ ગુજરાતના કચ્છ, કાઠિયાવાડ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પરિવારો સિદ્ધપુર પહોંચ્યા હતા. મોડી સાંજ સુધી માતૃશ્રાદ્ધ, પિંડદાન અને માતૃતર્પણની વિધિઓ ચાલી હતી.

    ભાદરવા વદ નોમ એટલે કે ડોશી નોમનો દિવસ સૌભાગ્યવતી સ્ત્રીઓના શ્રાદ્ધ માટે વિશેષ મહત્વનો માનવામાં આવે છે. આ નિમિત્તે બિંદુ સરોવર અને કપિલ આશ્રમ ખાતે અંદાજે 10 હજારથી વધુ પરિવારોએ માતૃતર્પણ કરી માતૃઋણ અદા કર્યું હતું. હિંદુ ધર્મમાં પિતૃશ્રાદ્ધ માટે બિહારનું ગયાજી જેમ પ્રખ્યાત છે, તેમ માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુરનું બિંદુ સરોવર મહત્વનું તીર્થસ્થળ માનવામાં આવે છે.

    બિંદુ સરોવર ખાતે આશરે 40 ગૌર બ્રાહ્મણો અને 100 જેટલા આચાર્ય બ્રાહ્મણો દ્વારા યજમાનોને માતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવી વૈદિક મંત્રોચ્ચાર સાથે પિંડદાન અને માતૃતર્પણની વિધિ કરાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રમાંથી આશરે 2500 પરિવારો, કેરળ-કર્ણાટકમાંથી 1200 પરિવારો અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આશરે 2200 પરિવારો સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ માતૃતર્પણ માટે પહોંચ્યા હતા.

    બિંદુ સરોવરની વિશેષતા એ છે કે અહીં ગૌર મંડળના ચોપડામાં યજમાનના કુળ અને સાત પેઢીઓના નામોની પરંપરાગત નોંધ જોવા મળે છે. યાત્રાળુઓના કુળની માહિતી ચોપડામાંથી મેળવી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન કપિલ અને ભગવાન પરશુરામે પણ અહીં માતૃશ્રાદ્ધ કરાવ્યું હતું, જેના કારણે સિદ્ધપુરને માતૃતર્પણ માટેના પવિત્ર તીર્થ તરીકે વિશેષ સ્થાન મળ્યું છે.

    રવિવારે શ્રાદ્ધવિધિ માટે આવેલા 200થી વધુ શ્રદ્ધાળુઓને કરદમ શાસ્ત્રી, જયનારાયણ શાસ્ત્રી અને કિરણભાઈ શાસ્ત્રી દ્વારા સમૂહમાં શ્રાદ્ધવિધિ કરાવવામાં આવી હતી. મહારાષ્ટ્રથી આવેલા અખિલેશ ઘોષે જણાવ્યું હતું કે, “બિંદુ સરોવરનું વાતાવરણ ખૂબ જ પવિત્ર અને આત્મીય છે. અહીં શ્રાદ્ધવિધિ કરવાથી મનને શાંતિનો અનુભવ થાય છે.”

    અમદાવાદથી દાદીનું શ્રાદ્ધ કરવા આવેલા કિશોર હેતલ પરીખે જણાવ્યું હતું કે, “અહીં આવ્યા બાદ શ્રાદ્ધવિધિ અને પૂજાની પદ્ધતિ વિશે ઘણી નવી જાણકારી મળી. આ તીર્થસ્થળનું ધાર્મિક મહત્વ ખરેખર વિશેષ છે.”

    શું છે ડોશી નોમનું મહત્વ?

    ભાદરવા વદ નોમને ડોશી નોમ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સહિત માતૃપક્ષના સ્વજનોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. સિદ્ધપુરનું બિંદુ સરોવર આ પ્રકારની માતૃશ્રાદ્ધ વિધિ માટે દેશભરમાં જાણીતા તીર્થસ્થળોમાંનું એક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
apply